તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો: ભારતની સાથે પાકિસ્તાનમાં પણ સોનું સસ્તું થયું, છતાં પાડોશી દેશમાં ૧૦ ગ્રામનો ભાવ ૩.૨૯ લાખ રૂપિયાને પાર!
આંતરરાષ્ટ્રીય બજાર (COMEX) માં આવેલા તીવ્ર ઘટાડાની અસર હેઠળ એક જ અઠવાડિયામાં પાકિસ્તાનમાં સોનું પ્રતિ તોલા ૭૯,૦૦૦ PKR તૂટ્યું અને ભારતમાં MCX પર ભાવ ઘટીને ₹૧.૨૧ લાખની સપાટીએ પહોંચ્યા : ચલણના મૂલ્યમાં તફાવતને કારણે પાકિસ્તાની બજારમાં સોનાના આસમાની આંકડા છતાં ભારતીય રૂપિયાની સરખામણીમાં ત્યાં સોનું હજુ પણ સસ્તું

મુંબઈ : આંતરરાષ્ટ્રીય બજાર (COMEX) માં આવેલી મંદીની સીધી અસર હવે એશિયાઈ બુલિયન બજારો પર જોવા મળી રહી છે, જેના કારણે ભારતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માત્ર એક જ અઠવાડિયામાં પાકિસ્તાનમાં સોનાના ભાવમાં પ્રતિ તોલા ૭૯,૦૦૦ પાકિસ્તાની રૂપિયા (PKR) નો જંગી ઘટાડો નોંધાયો છે. જોકે, આટલા મોટા ઘટાડા પછી પણ પાકિસ્તાનમાં મોંઘવારી અને ચલણના અવમૂલ્યનને કારણે ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનો ભાવ હજુ પણ ૩,૨૯,૨૨૦ પાકિસ્તાની રૂપિયાના ઊંચા સ્તરે ટકી રહ્યો છે.
પાકિસ્તાની બજારમાં અન્ય શુદ્ધતા ધરાવતા સોનાના ભાવ પર નજર કરીએ તો, હાલ ૧૦ ગ્રામ દીઠ ૨૨ કેરેટ સોનું ૩,૦૧,૭૮૩ PKR, ૨૧ કેરેટ સોનું ૨,૮૮,૦૬૮ PKR અને ૧૮ કેરેટ સોનું ૨,૪૬,૯૧૫ PKR ના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ૧૨ કેરેટ સોનાનો ભાવ ૧,૬૪,૬૧૦ PKR પ્રતિ ૧૦ ગ્રામ છે. રસપ્રદ વાત એ છે કે આંકડાની દ્રષ્ટિએ પાકિસ્તાનમાં સોનું ૩.૩૦ લાખ રૂપિયાની આસપાસ દેખાતું હોવા છતાં, ચલણના વિનિમય દર મુજબ ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે ₹૧.૧૧ લાખ જેટલી જ થાય છે—એટલે કે ભારતીય બજારની સરખામણીએ પાકિસ્તાનમાં સોનું હજુ પણ સસ્તું છે.
બીજી તરફ, ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખરીદદારોને મોટી રાહત મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ૪ ડિસેમ્બરની એક્સપાયરી ધરાવતા સોનાના વાયદાના ભાવ ₹૧૨,૫૯૦ ના ઘટાડા સાથે ₹૧,૩૪,૫૩૯ થી તૂટીને ₹૧,૨૧,૯૪૯ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ આવી ગયા છે. તેવી જ રીતે, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના આંકડા મુજબ સ્થાનિક હાજર બજારમાં પણ સોમવારે ₹૧,૩૪,૯૭૧ પર રહેલું સોનું શુક્રવાર સુધીમાં ₹૧૧,૦૭૮ નબળું પડીને ₹૧,૨૩,૮૯૩ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
