<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

'એલિસ હુઆંગ તો માત્ર મહોરું હતી!' Nvidia ના હાઈ-ટેક AI ચિપ દાણચોરી રેકેટના અસલી માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ : WSJ ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

અમેરિકન પ્રતિબંધોને થાપ આપીને સિંગાપોર અને મલેશિયાના રસ્તે ચીનને અદ્યતન AI ચિપ્સ પહોંચાડવાના હાઈ-પ્રોફાઇલ નેટવર્ક પાછળ 'મેગાસ્પીડ'ના પડદા પાછળના સૂત્રધાર ૫૨ વર્ષીય લી મિંગનો હાથ હોવાનું સામે આવ્યું, સિંગાપોરમાં છેતરપિંડીના ફોજદારી કેસનો સામનો કરી રહેલા લી મિંગના એલિસ હુઆંગ અને તેના પતિ સાથેના વર્ષો જૂના વ્યાપારિક સંબંધો ઉજાગર

સિંગાપોર :  અમેરિકાના કડક નિકાસ પ્રતિબંધોને ચકમો આપીને વિશ્વની અગ્રણી ટેક કંપની 'એનવિડિયા'  ની અદ્યતન AI ચિપ્સ ગેરકાયદેસર રીતે ચીનમાં ઘુસાડવાના બહુચર્ચિત રેકેટમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર સુધી આ સમગ્ર કૌભાંડમાં ચીની ઉદ્યોગપતિ એલિસ હુઆંગનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ચર્ચાતું હતું, પરંતુ 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'  ના એક વિસ્ફોટક અહેવાલમાં ખુલાસો થયો છે કે એલિસ હુઆંગ તો માત્ર એક ચહેરો હતી, જ્યારે આ સમગ્ર નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ ૫૨ વર્ષીય ચીની નાગરિક 'લી મિંગ' (Li Ming) છે. સિંગાપોર સ્થિત કંપની 'મેગાસ્પીડ'ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે એલિસ હુઆંગ કાર્યરત હતી, પરંતુ પડદા પાછળ રહીને કંપનીના તમામ મોટા વ્યવસાયિક નિર્ણયો અને Nvidia ચિપ્સના વેપારનું સંચાલન લી મિંગ જ કરતો હતો.

WSJ ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૫માં સિંગાપોરના સરકારી વકીલોએ Nvidia ચિપ્સના દુરુપયોગ અને છેતરપિંડીના કેસમાં લી મિંગ અને અન્ય શખ્સો સામે ફોજદારી આરોપો ઘડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે લી મિંગે અમેરિકન સપ્લાયર્સને એવું કહીને ગેરમાર્ગે દોર્યા હતા કે Nvidia ચિપ્સ ધરાવતા અદ્યતન કમ્પ્યુટર સર્વર્સ તેની સિંગાપોર સ્થિત કંપનીના ઉપયોગ માટે ખરીદવામાં આવી રહ્યા છે. જોકે, આ કિંમતી સર્વર્સ સિંગાપોરમાં રાખવાને બદલે ગુપ્ત રીતે પડોશી દેશ મલેશિયા મોકલવામાં આવતા હતા અને ત્યાંથી કોઈ અજ્ઞાત ત્રીજા સ્થળે (ચીન) સપ્લાય કરી દેવામાં આવતા હતા. હાલમાં લી મિંગ સિંગાપોરમાં જામીન પર મુક્ત છે અને તેના વકીલોએ આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

આ હાઈ-ટેક દાણચોરી નેટવર્કના મૂળિયાં વર્ષો જૂના હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ફોજદારી આરોપો દાખલ થયા તે પહેલાં લી મિંગ ઘણા વર્ષોથી એલિસ હુઆંગ અને તેના પતિ કાંગ વેઈ સાથે અત્યંત નજીકથી કામ કરી રહ્યો હતો. એલિસ હુઆંગ અને કાંગ વેઈએ ૨૦૨૧માં 'સેન્ચ્યુરી લોંગટેંગ'  નામનું એક ક્લાઉડ-કમ્પ્યુટિંગ સંયુક્ત સાહસ શરૂ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૩માં શાંઘાઈની એક AI સાધનો બનાવતી કંપનીની મુલાકાત લેતો લી મિંગનો એક સોશિયલ મીડિયા ફોટો પણ સામે આવ્યો છે, જેમાં તેનો પરિચય સેન્ચ્યુરી લોંગટેંગના "ચીફ સ્ટ્રેટેજી ઓફિસર" તરીકે આપવામાં આવ્યો હતો—જે સાબિત કરે છે કે ચીની ગ્રાહકોને અદ્યતન કમ્પ્યુટિંગ ક્ષમતા પૂરી પાડવા માટે આ ત્રિપુટીએ વર્ષોથી એક મજબૂત આંતરરાષ્ટ્રીય જાળું બિછાવ્યું હતું.

(7:24 PM IST)