<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

રાજસ્થાનમાં ઠંડા પવનોથી શિયાળાનો આક્રમક પ્રવેશ, માઉન્ટ આબુમાં 5.7 અને ફતેહપુરમાં 6.1 ડિગ્રી તાપમાન

સીકર, ભીલવાડા, ચુરુ અને નાગૌરમાં તીવ્ર ઠંડીનો અનુભવ, આગામી બે દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી અને અઠવાડિયા દરમિયાન શુષ્ક હવામાનની આગાહી

જયપુર : રાજસ્થાનમાં શિયાળો પોતાનો પ્રભાવ પાડવા લાગ્યો છે. ઉત્તર ભારત અને પહાડી વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યભરમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવાર અને સાંજે ઠંડીમાં વધારો થયો છે, જ્યારે રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો છે. રાજ્યભરના ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે.

બદલાતા હવામાન વચ્ચે, માઉન્ટ આબુ અને ફતેહપુર રાજ્યના સૌથી ઠંડા વિસ્તારો રહ્યા છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 5.7 ડિગ્રી સેલ્સિયસ અને ફતેહપુરમાં 6.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શેખાવતી ક્ષેત્રમાં પણ ઠંડી વધી રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડી વધુ તીવ્ર બની છે, જેમાં સીકર, ભીલવાડા, ચુરુ અને નાગૌરનો સમાવેશ થાય છે. સવારે ઠંડા પવનો અને નીચા તાપમાનને કારણે લોકો ગરમ કપડાં પહેરવા મજબૂર થઈ રહ્યા છે, જ્યારે સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ વધુ વધે છે અને ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં ઠંડા પવનોની અસર અનુભવાય છે.

હવામાન વિભાગે આજે અને કાલે રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. સવારે ધુમ્મસને કારણે દૃશ્યતા પર અસર પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી અઠવાડિયા માટે રાજસ્થાનમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે અને હાલમાં વરસાદની અપેક્ષા નથી.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને પહાડી પવનોની અસર હેઠળ દર વર્ષે શિયાળાની શરૂઆત સાથે રાજસ્થાનના પર્વતીય તથા શેખાવતી વિસ્તારોમાં પારો ઝડપથી નીચે જાય છે. હાલમાં સવારે ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીને કારણે વાહનચાલકો અને મુસાફરોએ સાવચેતી રાખવી જરૂરી બની છે, જ્યારે આગામી દિવસોમાં શુષ્ક હવામાન અને ઠંડા પવનોનો દોર યથાવત રહેતા લોકોએ ઠંડીથી બચવા જરૂરી તકેદારી રાખવી પડશે.

(10:59 AM IST)