તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલનો અમિતભાઈને સીધો સવાલ
તેમના રાજીનામાને ૩ અઠવાડિયા વીતી ગયા: પરંતુ ત્યારથી તેઓ કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી કે તેમનું કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી: કોઈ અત્તોપત્તો નથી

નવી દિલ્હી: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચિંતા અને અટકળો ઊભી કરી છે. તેમના રાજીનામાને લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ ત્યારથી તેઓ કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી કે તેમનું કોઈ નિવેદન પણ સામે આવ્યું નથી.
આ મામલે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ' (અગાઉ ટ્વિટર) પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સીધો સવાલ પૂછ્યો છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, "શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે? તેમનો સંપર્ક કેમ નથી થઈ રહ્યો?"
સિબ્બલે વધુમાં કહ્યું કે, "અમિતભાઈને ખબર હોવી જોઈએ. જગદીપ ધનખડ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. દેશને ચિંતા થવી જોઈએ." આ પોસ્ટ બાદ, અન્ય વિપક્ષી નેતાઓ અને મીડિયા પ્લેટફોર્મ પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
રાજીનામા અને આરોગ્ય સંબંધિત અટકળો: જગદીપ ધનખડે ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું, જે બીજા જ દિવસે સ્વીકારી લેવામાં આવ્યું હતું. રાજીનામા પાછળનું કારણ "આરોગ્ય સંબંધી મુદ્દાઓ અને તબીબી સલાહનું પાલન" કરવાનું જણાવવામાં આવ્યું હતું. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ ૨૦૨૭ સુધી ચાલવાનો હતો, પરંતુ રાજીનામાને કારણે આ પદ ખાલી પડ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં તેમને હૃદય સંબંધિત બિમારીને કારણે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, જૂન ૨૦૨૫માં તેઓ ઉત્તરાખંડના એક કાર્યક્રમમાં બેભાન પણ થઈ ગયા હતા. જોકે, તેમના રાજીનામા પહેલાં એક સપ્તાહ અગાઉ જ તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરશે. આથી, તેમના અચાનક રાજીનામાને લઈને વિપક્ષી દળો દ્વારા અનેક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તો આરોપ પણ લગાવ્યો છે કે તેમને સરકારે જ દબાણ હેઠળ રાજીનામું આપવા મજબૂર કર્યા છે.
દરમિયાન, ભારતના ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરી છે. જાહેરનામા અનુસાર, ૯ સપ્ટેમ્બરે આ પદ માટે મતદાન થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૧ ઓગસ્ટ છે, જ્યારે ૨૨ ઓગસ્ટે તેની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૫ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
