તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
આફતનો વરસાદ ચાર-ચાર સિસ્ટમ સક્રિય : દ.ગુજરાત પાણી..પાણી..
ભરૂચ - વાલીયામાં દે ધનાધન ૧૨ ઇંચ : સોનગઢ-૧૦, વ્યારા-૯, માંગરોળ-૮, વધઇ-૮ ઇંચ વરસાદઃ અમદાવાદ - ગાંધીનગરમાં રાત્રે મેઘરાજાની બઘડાટી : ૨૪ કલાકમાં ૧૮૩ તાલુકામાં મેઘ મ્હેર

નવી દિલ્હી તા. ૩ : ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યાં નથી. રાજયના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજયમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આઈએમડીનું કહેવું છે કે ડ્રિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ શિયર ઝોન, ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજયમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાત મેઘરાજાએ તોફાની જમાવટ કરી છે. અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થઇ ગયા છે. ત્યારે ભરૂચમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદના જે પાછલા ૨૪ કલાકના (૩ સપ્ટેમ્બર, સવારના ૬ વાગ્યા સુધી) આંકડા રજૂ કરવામાં આવ્યા છે તેમાં ભરૂચ, તાપી, સુરત, ડાંગ અને નર્મદામાં ૭ થી ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ (૨૯૭ મી.મી.) ૧૧.૭૦ ઈંચ વરસાદ ભરૂચના વાલિયા તાલુકામાં પડ્યો છે. ફરી એકવાર ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં નીચાણવાળા વિસ્તારોમાં કફોડી સ્થિતિ સર્જાઈ શકે છે.
ભરૂચ શહેરના ફાટા તળાવ, ફુરજા, સેવાશ્રમ રોડ વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો ફુરજા વિસ્તારમાં વરસાદી પાણીમાં બાઈકચાલક તણાયો હોવાની પણ ઘટના સામે આવી છે. વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો તણાવા લાગ્યા છે. ત્યારે ભરૂચવાસીઓને એક વર્ષ પહેલા સર્જાયેલી તબાહીનો ફરી એકવાર ડર સતાવી રહ્યો છે.
પાછલા ૨૪ કલાકમાં રાજયમાં થયેલા વરસાદમાં ત્રણ તાલુકામાં ૨૦૦ મી.મી.થી વધુ વરસાદ થયો છે. જેમાં ભરૂચના વાલિયા બાદ તાપીના સોનગઢમાં ૧૦ ઈંચ (૨૫૪ મી.મી.) વરસાદ થયો છે. જયારે તાપીના વ્યારામાં ૯ ઈંચ (૨૨૮) જેટલો વરસાદ વરસ્યો છે.
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં ૧૧.૬૯ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે તાપીના સોનગઢમાં ૧૦ ઈંચ, વ્યારામાં ૯ ઈંચ, માંગરોળમાં ૭.૬ ઈંચ, વઘઈમાં ૭.૬ ઈંચ, ભરૂચમાં ૭.૨ ઈંચ, તિલકવાડામાં ૭ ઈંચ, ઉચ્છલમાં ૬.૯ ઈંચ, ડોલવણમાં ૬.૭ ઈંચ, નડિયાદમાં ૬.૭ ઈંચ, વાંસદામાં ૬.૫ ઈંચ અને સુબીરમાં ૬.૫ ઈંચ વરસાદ વરસ્યો છે.
ત્રીજી સપ્ટેમ્બરના છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ચોથી સપ્ટેમ્બર : ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે.
પાંચમી સપ્ટેમ્બર બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.
સવારે ૬થી ૮ વાગ્યા સુધી ૧૨૫ તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના નેત્રંગમાં ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ વાલિયા, ભરૂચમાં ૩-૩ ઇંચ વરસાદ આવ્યો છે. વલસાડ, ઉમરપાડામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ માંગરોળ, જોટાણામાં ૨ -૨ ઇંચ વરસાદ છે.ᅠ
અમદાવાદ પૂર્વમાં જળબંબાકારની સ્થિતિ છે. જેમાં નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ અને મણિનગરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થઇ છે. જેમાં વરસાદથી ઠેરઠેર પાણી ભરાતાં રહીશો, વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, ઓઢવમાં પોણા બે ઈંચ, બીજી તરફ પશ્ચિમમાં અડધા ઈંચ જ વરસાદ છે. સોમવારે સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પર નવી સિસ્ટમ પુનઃ સક્રિય થવા સાથે શહેરના પૂર્વ પટ્ટામાં બારે મેઘ ખાંગા થયા હતા અને નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. નરોડા, સૈજપુરબોઘા,ᅠ ગીતામંદિર, પાલડી, વાસણા, મેમકો, આશ્રમ રોડ તેમજ એરપોર્ટ રોડ, ઇન્દિરા બ્રિજ અને ઇન્કમ ટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સુભાષ બ્રિજ, શાહીબાગ, આરટીઓ, રાણીપ, નવાવાડજ, ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુબેરનગર વિસ્તારમાં પડેલા ૨૦ મિનિટના ધોધમાર વરસાદમાં સિંધી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા. બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દુકાન ચાલાકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીનગરમાં પણ રાત્રે ભારે વરસાદ પડયો હતો.
રાજકોટ, સુરેન્દ્રનગર તથા અમરેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી છે.ᅠ
રાજયમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તથા આણંદ, વડોદરા, નર્મદા, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરાઇ છે.(૨૧.૧૫)
છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ ?
* સૌથી વધુ ભરૂચના વાલિયામાં ૧૨ ઈંચ વરસાદ
* તાપીના સોનગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ
* તાપીના વ્યારામાં ૯ ઈંચથી વધુ વરસાદ
* સુરતના માંગરોળમાં ૮ ઈંચ વરસાદ
* ડાંગના વઘઈમાં ૮ ઈંચ વરસાદ
* ભરૂચમાં ૭.૫ ઈંચ વરસાદ
* નર્મદાના તિલકવાડામાં ૭ ઈંચ વરસાદ
* તાપીના ઉચ્છલમાં ૭ ઈંચ વરસાદ
* તાપીના ડોલવણમાં ૬.૮ ઈંચ વરસાદ
* ખેડાના નડિયાદમાં ૬.૮ ઈંચ વરસાદ
* વાંસદામાં ૬.૬ ઈંચ વરસાદ
* ડાંગના સુબિરમાં ૬.૬ ઈંચ વરસાદ
* ૧૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ
* ૨૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ
* ૩૯ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ
* ૪૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
