<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

એક ઓકટોબરથી ટીડીએસના દરમાં ઘટાડોઃ કરદાતાને રાહત

પાંચ ટકા બદલે હવે બે ટકા ટીડીએસ કપાશે

મુંબઇ,તા. ૩: કમિશન સાથે સંકળાયેલાઓ પાસેથી પહેલા પાંચ ટકા ટીડીએસની કપાત કરવામાં આવતી હતી. જયારે આગામી એક ઓક્‍ટોબરથી પાંચના બદલે બે ટકા જ ટીડીએસ વસૂલાત કરવામાં આવશે. કેન્‍દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ટીડીએસની વસૂલાતના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે અંતર્ગત કમિશનના વેપાર સાથે સંકળાયેલાઓને રાહત થવાની છે, કારણ કે પહેલા તેઓ પાસેથી પાંચ ટકા ટીડીએસની કપાત કરીને બાકીની રકમની ચુકવણી કરવામાં આવતી હતી.

તેના બદલે હવેથી બે ટકાની જ કપાત કરવામાં આવશે. તેના લીધે જમીનનું વેચાણ કર્યા બાદ મળનારા કમિશન ઉપરાંત લોટરીની ટિકિટ, અન્‍ય કોઈ પણ વેપારમાં મળતા કમિશનની રકમમાં પણ બે ટકાની જ કપાત કરવાની રહેશે. પહેલા જયારે કમિશનની ચુકવણી કરવામાં આવતી હતી. ત્‍યારે ટીડીએસ પેટે પાંચ ટકા રકમ કાપીને તે રકમ ઈન્‍કમટેક્‍સમાં જમા કરાવવામાં આવતી હતી. જેથી કમિશનના વેપાર સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ દ્વારા આઇટી રિટર્ન ભરવામાં આવે ત્‍યારે તે રકમ બાદ મળતી હતી. તેમજ રિટર્નમાં નાણાં ભરવાના નહીં થાય તો ટીડીએસ પેટે કપાત થયેલી રકમ રિફંડ પેટે જમા મળતી હતી. તેના માટે કેટલીક વખત ચારથી છ મહિના સુધી રાહ જોવી પડતી હતી. જયારે તે દરમાં ઘટાડો કરવાના લીધે કમિશનના વેપાર સાથે સંકળાયેલાઓને સીધો ત્રણ ટકાનો ફાયદો થવાનો છે.

(9:58 AM IST)