તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
શિવજીને પ્રિય શ્રાવણ માસની પૂર્ણાહુતિઃ હવે બાપ્પાની પધરામણીનો હરખ-ઉત્સાહ
સોમવારે અમાસના સંયોગ વચ્ચે શિવાલયોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી : અનેક શિવાલયોમાં સમાપન પૂજા થઇ, શનિવારે ગણેશ ચતુર્થીની તડામાર તૈયારી

નવી દિલ્હી,તા. ૩: ભગવાન શિવની આરાધના માટેના પવિત્ર અવસર શ્રાવણને લઈને છેલ્લા એક મહિનાથી ભક્તિભાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. એક મહિના સુધી ઉપવાસ, અનુષ્ઠાન, ધાર્મિક કાર્યક્રમોની ઝાકમઝોળ સોમવારે પૂર્ણ થઇ હતી. શિવજીને પ્રિય એવો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થયો હતો. સોમવારે અમાસના સંયોગ વચ્ચે શિવાલયોમાં દર્શન માટે ભક્તોની ભીડ ઊમટી હતી. અનેક શિવાલયોમાં સમાપન પૂજાના આયોજન કરાયા હતા. બીજી બાજુ હવે વિઘ્નહર્તા દેવ ગણેશજીની પધરામણીનો હરખ અને ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. શનિવારે ગણેશ ચતુર્થી હોય શ્રીજીની પધરામણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગત ૫ ઓગસ્ટના રોજ શ્રાવણ શુકલ પક્ષના આરંભ સાથે જ શિવ પાર્થેશ્વર પૂજન આરંભ થયો હતો. એક મહિના સુધી શિવાલયોમાં ભક્તોની ભીડ, પૂજા- અર્ચનાનો દોર જોવા મળ્યો હતો. જયારે અમાસના દિવસે સોમવારનો સંયોગ હોય સોમવતી અમાસને પગલે શિવાલયોમાં વહેલી સવારતી મોડી રાત્રિ સુધી ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. મહારાજ કિરીટદત્ત શુક્લના જણાવ્યા મુજબ, આ વર્ષે શ્રાવણ મહિનો અનેક બાબતોએ વિશેષ સાબિત થયો હતો. શ્રાવણ માસ વેળાએ પાંચ સોમવારનો સંયોગ જોવા મળ્યો હતો. તેમાં પણ
રક્ષાબંધન અને જન્માષ્ટમી એ બે મહત્ત્વના પર્વો સોમવારે હોય ઉજવણીનો ઉત્સાહ બેવડાયો હતો. જયારે અમાસના અંતિમ દિવસે પણ સોમવાર હોવાને કારણે સોમવતી અમાસની ભક્તિભાવ સાથે ઉજવણી થઇ હતી. સોમવારે શિવપાર્થેશ્વર પૂજન સમાપ્ત, આરાવારા સમાપ્ત, મંગળા ગૌરી પૂજન સહિતના ધાર્મિક અવસરો જોવા મળ્યા હતા. જાણીતા શિવાલયોમાં સમાપન પૂજા કરાઈ હતી.
બે અમાસના સંયોગને કારણે ભક્તોમાં ગડમથલ જોવા મળી
ચાલુ વર્ષે શ્રાવણ માસની પુર્ણાહુતિ વેળાએ બે અમાસ હોય ભક્તોમાં ગડમથલ જોવા મળી હતી. સોમવારે અને મંગળવારે એમ બે અમાસને કારણે શ્રાવણ માસની પુર્ણાહુતિને લઈને મતમતાંતર જોવા મળ્યા હતા. જયોતિષીના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે ૭.૨૬ વાગ્યા સુધી અમાસ છે. વિધિવત રીતે સોમવારે જ શ્રાવણ માસની પુર્ણાહુતિ ગણવામાં આવે છે. જયારે હવે શનિવારે ભાદરવા સુદ ચોથ છે. તે વેળાએ જૈન સંવત્સરીની સાથે જ હિન્દુ સમુદાયનો મહત્ત્વનું પર્વ ગણેશ ચતુર્થીની રંગારંગ ઉજવણી થશે. છેલ્લા ૧૦ દિવસથી સુરત શહેરમાં વિઘ્નહર્તા દેવની ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. તેમાં હવે શનિવારે વિધિવત સ્થાપન કરીને ૧૦ દિવસ બાપ્પાની ભક્તિ, પૂજા-અર્ચના કરાશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
