<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં અમદાવાદ ખાતે ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક દસ માળનું ‘બ્રહ્મ ભવન’ નિર્માણ પામશે : ૨૬ નવેમ્બરે જમીન અંગે મોટી જાહેરાત કરાશે

સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત આવાસ, પૌષ્ટિક આહાર અને ઉત્તમ અભ્યાસની સુવિધા ઊભી કરવાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થશે : ડો. જગદીશ ત્રિવેદીએ સૌપ્રથમ ૧ કરોડનું દાન જાહેર કરતા કુલ દાનનો આંકડો ૧૦ કરોડને પાર : સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, મુક્તાનંદ બાપુ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા માનદ સલાહકાર તરીકે જોડાયા

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ અમદાવાદમાં રહીને સુરક્ષિત આવાસ, પૌષ્ટિક આહાર અને ઉત્તમ અભ્યાસની સુવિધા મેળવી શકે તે માટેનું બ્રહ્મ સમાજનું વર્ષો જૂનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. જાણીતા હાસ્યકલાકાર, લેખક, સમાજસેવક અને વર્ષ ૨૦૨૪માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બ્રહ્મરત્ન ડો. જગદીશ ત્રિવેદીએ અંદાજે ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે અત્યંત આધુનિક ‘બ્રહ્મ ભવન’ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ નિર્માણાધીન ભવનની જમીન અંગે તેઓ આગામી ગુરુવાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહ્યા છે.

સંતોના આશીર્વાદ અને દાનનો અવિરત પ્રવાહ:
આ ભગીરથ કાર્યમાં પદ્મભૂષણ સ્વામી પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, અખિલ ભારત સાધુસમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુ (ચાંપરડાવાળા) તેમજ વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા જેવા બ્રહ્મ કુળના પૂજનીય સંતોએ આશીર્વાદ પાઠવીને માનદ સલાહકાર તરીકે સાથે રહેવાની સંમતિ આપી છે. આ ઉપરાંત દેશ અને વિદેશના વિવિધ ક્ષેત્રોના બ્રહ્મ અગ્રણીઓએ પણ આ ભવનના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની સ્વૈચ્છિક ઈચ્છા વ્યક્ત કરી છે.

બે વર્ષમાં દસ માળની આધુનિક ઈમારત તૈયાર કરવાનો સંકલ્પ:
આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમણે આ ભવન માટે સૌપ્રથમ ૧ કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું છે. તેમની આ પહેલ બાદ ૧-૧ કરોડ રૂપિયાના અન્ય સાત દાતાઓ પણ મળી ગયા છે અને અત્યાર સુધીમાં કુલ દાનનો આંકડો ૧૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં દસ માળની અત્યંત આધુનિક ઈમારતનું નિર્માણ પૂર્ણ કરવાની નૈતિક જવાબદારી સાથે બ્રહ્મ સમાજના આગેવાનો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(4:43 PM IST)