તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સુરતના મજુરામાં સ્નેહમિલનમાં હર્ષ સંઘવીની ટકોર :નગરસેવકોને કાર્યકરોનું સન્માન જાળવવા અને 'સાહેબ નહીં, સારા માણસ બનજો' તેવી શીખ આપી
સુરતના મજુરા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા: સંબોધનમાં હર્ષ સંઘવીએ પોતાના રાજકીય સફરના અનુભવો વાગોળ્યા

સુરતના મજુરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને પોતાના રાજકીય સફરના અનુભવો પણ રજૂ કર્યા હતા. સાથે જ પક્ષના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.
સંબોધનની શરૂઆતમાં હર્ષભાઈ સંઘવીએ મજૂરા વિસ્તાર સાથેના પોતાના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મજુરાનો દીકરો હંમેશાં મજૂરાનો દીકરો જ રહેશે." આ સાથે તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પોતાનાથી પણ વધુ સમયથી ભાજપ સાથે જોડાયેલા સિનિયર કાર્યકરો તેમના માટે હંમેશાં મોટા રહેશે અને તેમનું સન્માન જળવાઈ રહેશે.
પોતાની રાજકીય સફરના શરૂઆતના દિવસોને યાદ કરતાં હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમની સામેના ઉમેદવારો દ્વારા તેમને 'નાનો છોકરો' કહીને સંબોધવામાં આવતા હતા. તે સમયે પ્રચાર દરમિયાન ઘણા લોકો હું કોણ છું તે પણ જાણતા નહોતા. જોકે, તેમણે કહ્યું કે, લોકોનો મત તેમને વ્યક્તિગત ઓળખના આધારે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથેના જોડાણના કારણે મળ્યો હતો. તેમણે પોતાના રાજકીય જીવનમાં પક્ષના કાર્યકરો અને સંગઠનના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.
હર્ષભાઈ સંઘવીએ થોડા મહિના અગાઉ વાપી અને વલસાડ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ અને પૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે ભાજપના કાર્યકરો ગામેગામ પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા લાગ્યા હતા. આ કામગીરી બદલ તેમણે તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કાર્યકરોએ આપેલા સાથ અને સહકારના કારણે જ તેઓ આજે આ સ્થાન સુધી પહોંચ્યા છે.
કાર્યક્રમ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ પોતાના મતવિસ્તારના નગરસેવકોને પણ ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, નગરસેવકો વિસ્તારના નાગરિકોના મત અને વિશ્વાસના કારણે ચૂંટાઈને આવ્યા છે. તેથી જો કોઈ ભાજપનો કાર્યકર તેમની પાસે કામ લઈને આવે તો તેને નિરાશ ન કરવો જોઈએ. કાર્યકરોને કામ લઈને આવવા બદલ પ્રશ્નો પૂછવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, "સાહેબ ન બની જતા, મનમાં સારા માણસ જેવા ભાવ રાખજો." લોકો સાથે સારો વ્યવહાર અને કાર્યકરોનું સન્માન જાળવશો તો ભવિષ્યમાં પણ લોકો તમારી સાથે જોડાયેલા રહેશે અને તમારું સન્માન કરશે. આ રીતે હર્ષ સંઘવીએ સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોની ભૂમિકા અને જનસેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
