તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ દર્દીએ ચોથા માળેથી કૂદકો માર્યો:તાત્કાલિક સારવાર અપાઈ, પરંતુ જીવ બચાવી શકાયો નહીં
સારવાર હેઠળ રહેલા 41 વર્ષીય ફિરોઝ બિલવાલ છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે 20 તારીખથી હોસ્પિટલમાં દાખલ હતા: પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ઘટનાની તપાસ શરૂ કરી

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની છે,અહીં સારવાર લઈ રહેલા 41 વર્ષીય દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી કૂદકો માર્યો ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ 41 વર્ષીય ફિરોઝ બિલવાલ તરીકે થઈ છે. તેઓ છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે ગત 20 તારીખથી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમણે અચાનક ચોથા માળેથી કૂદકો માર્યો હતો.
દર્દીએ ચોથા માળેથી છલાંગ લગાવતાં હોસ્પિટલ સ્ટાફમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં તબીબી ટીમ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. બીજી તરફ, દર્દીએ કયા કારણોસર હોસ્પિટલના ચોથા માળેથી કૂદકો માર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના તબીબ ડૉ. જયેશ ભાભોરે પણ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. હાલ પોલીસ દ્વારા ઘટનાના સંજોગો અને અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
