<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે અને એક જ સમયે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમોના માધ્યમથી ભાજપની તાકાતનું પ્રદર્શન

અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા:જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સંતો-મહંતોની પણ હાજર રહ્યા

અમદાવાદમાં નૂતનવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે અને એક જ સમયે યોજાયેલા આ કાર્યક્રમોના માધ્યમથી BJPએ સંગઠનની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત સંતો-મહંતોની પણ ઉપસ્થિતિ રહી હતી 

સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. જગદીશ વિશ્વકર્માએ ગુજરાતની તમામ 182 બેઠકો જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જ્યારે હર્ષ સંઘવીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હોદ્દા કરતાં કાર્યકરોના દિલમાં સ્થાન મેળવવાની સલાહ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સરકારની કામગીરી અને સંગઠનની શક્તિ અંગે વાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદિવાસી વિસ્તારના પ્રવાસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી સતત 72 કલાક આદિવાસી વિસ્તારમાં રહ્યા હતા અને ત્રણ દિવસ સુધી આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાતો કરી હતી. આ દરમિયાન તેમણે રાત્રિ રોકાણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભજનથી લઈને ભોજન સુધી આદિવાસી લોકોની વચ્ચે રહ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે દેશના એકમાત્ર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આ રીતે 72 કલાક આદિવાસી વિસ્તારમાં પસાર કર્યા છે. મુખ્યમંત્રીની પ્રેરણાથી અન્ય નેતાઓ પણ આદિવાસી વિસ્તારોમાં જશે.

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતાં હર્ષ સંઘવીએ કહ્યું કે ચૂંટણીમાં હોદ્દા મળતા રહે છે, પરંતુ જ્યાં સુધી કાર્યકરોના દિલમાં સ્થાન ન મળે ત્યાં સુધી હોદ્દાનું કોઈ મહત્ત્વ નથી. હોદ્દો મળ્યા બાદ કાર્યકરો કામ લઈને આવે તો તેમના કામ કરવાની કોશિશ કરવી જોઈએ. જો કામ થઈ શકે તેમ હોય તો ચોક્કસ કરવું જોઈએ, પરંતુ કોઈ કારણસર કામ ન થઈ શકે તો કાર્યકરના ખભે હાથ મૂકીને તેની સાથે ચા પીવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે BJP દુનિયાનો સૌથી મોટો પરિવાર છે. આ પરિવારને તોડવા માટે અનેક લોકોએ પ્રયાસો કર્યા, પરંતુ તોડનારા આવતા રહ્યા અને જતા રહ્યા, જ્યારે BJPનું કુટુંબ આજે પણ એકજૂટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકપણ દિવસની રજા લીધા વિના દેશના લોકો માટે કામ કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે આપણે ગુજરાતની 182માંથી 182 બેઠકો જીતવાનો સંકલ્પ લઈએ. તેમણે જણાવ્યું કે આજે દેશનાં 22 રાજ્યોમાં BJPની સરકાર છે અને ગુજરાતમાં પણ તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે સંગઠન કામ કરશે 

 

વિપક્ષ પર પ્રહાર કરતાં જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતાઓ લાંબા સમયથી દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દેશની 140 કરોડ જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે તેમને પોતાના બુથના તમામ કાર્યકરો પર પણ પૂરો ભરોસો છે.

જગદીશ વિશ્વકર્માએ કાર્યકરોની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે વિપક્ષના લોકો ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે, જ્યારે BJPના કાર્યકરો ટાઢ અને તડકામાં પણ સતત લોકોની વચ્ચે રહીને કામ કરે છે. તેમણે તમામ કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કામ કરતા રહેવાની અપીલ કરી હતી.

(8:38 PM IST)