તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બહેનને વિધવા કરવા નીકળેલા ભાઈની ધરપકડ:પિસ્ટલ અને છરો મળી આવ્યો
અમદાવાદ શહેર એસઓજીની ટીમે તેને આ ગુનો આચરતા પહેલા પકડીને આરોપીની બહેનના પતિનો જીવ બચાવી લીધો: દેશી બનાવટની પિસ્ટલ તેમજ આઠ જીવતા કારતુસ અને છરો તેમજ એક્ટીવા સહિત 89 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં એક ભાઈએ રક્ષાબંધનના પવિત્ર દિવસે જ પોતાની બહેનના પરિવારના માળાને વિખેરી બહેનને વિધવા બનાવવાના પ્લાન સાથે નીકળ્યો હતો. જોકે અમદાવાદ શહેર એસઓજીની ટીમે તેને આ ગુનો આચરતા પહેલા પકડીને આરોપીની બહેનના પતિનો જીવ બચાવી લીધો છે.
અમદાવાદ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે ઓઢવ વિસ્તારમાં દિશાંત ઉર્ફે કાનો નરેશભાઈ ભવનભાઈ ભરવાડ નામનો યુવક પોતાની પાસે પરવાનગી વિનાના હથિયાર સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા માટે ફરી રહ્યો છે. જે માહિતીના આધારે ઓઢવમાં ઉદય એસ્ટેટ શેડની સામે જાહેર રોડ પરથી દિશાંત ભરવાડને પકડવામાં આવ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ તેમજ આઠ જીવતા કારતુસ અને છરો તેમજ એક્ટીવા સહિત 89 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીની તપાસ કરતાં આરોપી દિશાંત ઉર્ફે કાનો ભરવાડને પરિવારમાં ચાર ભાઈ બહેન છે, જેમાં તેની એક બહેને બે મહિના પહેલા ઓઢવ ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી તેની બહેન સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકને રક્ષાબંધનના દિવસે જ મારીને ડરાવવા તેમજ મારી નાખવા માટે પોતાના મિત્ર અમિત ગૌસ્વામી પાસેથી 40 હજાર રુપિયામાં દેશી પિસ્તોલ અને કારતુસ ખરીદ્યા હતા. તેવામાં આરોપી હત્યા જેવા કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા આરોપીને પકડી લેવામાં આવતા એક જીવ બચાવવામાં પોલીસે સફળતા મેળવી છે
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
