<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

ગાંધીનગર કમલમ ખાતે ભાજપના ધારાસભ્‍યોની બેઠક મળીઃ ૨૫ ટકા ધારાસભ્‍યો ગેરહાજર

૧૫મી ઓગસ્‍ટના ઉપલક્ષે યોજાયેલ બેઠકમાં હર ઘર તિરંગા યાત્રા પોતાના વિસ્‍તારના મંડળો અને દરેક બુથ સુધી લઈ જવા સુચનાઃ પાલિકા પંચાયતની ચૂંટણી પહેલાનું લેસન પણ અપાયુઃ સી.આર. પાટીલ પણ ઉપસ્‍થિત ન રહી શકયા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૯: પ્રદેશ ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અનુસંધાને ગાંધીનગર કમલમ ખાતે ગઈકાલે ધારાસભ્‍યોની બેઠક બોલાવવામાં હતી. જેમાં ધારાસભ્‍યોને પોતપોતાના વિસ્‍તારમાં તિરંગા યાત્રા દરેક બુથ અને મંડલો સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં પાલિકા અને પંચાયતની ચૂંટણી પહેલાનું લેસન પણ અપાયું હતું.

ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે મળેલ આ બેઠકનો મુખ્‍ય એજન્‍ડા આગામી ૧૫ ઓગસ્‍ટના ઉપલક્ષ્મા રાજ્‍યમાં હર ઘર તિરંગા યાત્રા લઈ જવા અંગેનો હતો જે અંગે ભાજપના પ્રવક્‍તાના જણાવ્‍યા મુજબ આ બેઠકમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, રાષ્‍ટ્રીય સંયોજક વિ.ડી. શર્મા અને સંગઠન મહામંત્રી રત્‍નાકરે હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંગે માહિતી આપી હતી.

આ અભિયાનન હેઠળ રાજ્‍યમા ૫૮૦ મંડળ અને ૫૧ હજાર જેટલા બુથ સુધી યાત્રાને લઈ જવા સુચના અને માર્ગદર્શન આપ્‍યું હતું જે તાલુકામાં ભાજપના ધારાસભ્‍યો નથી ત્‍યાં જિલ્લા પ્રભારી અને પ્રમુખોને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્‍યમાં હાલ મંત્રીમંડળના વિસ્‍તરણ અને ફેરફાર તેમજ પ્રદેશના નવા અધ્‍યક્ષની નિમણૂંકની અટકળો વચ્‍ચે અગાઉ થયેલ જાહેરાત મુજબ વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલ આ બેઠકમાં સંસદ ચાલુ હોય ઉપસ્‍થિત રહી શકયા નહોતા.  ઉપરાંત ભાજપના ૪૦ જેટલા ધારાસભ્‍યો એટલે ૨૫ ટકા ગેરહાજર રહ્યા હતા. જેમાં અમુક ધારાસભ્‍યોએ આજે આદિવાસી દિવસ કોઈ પોતાના વિસ્‍તારમાં કામગીરીમાં રોકાયેલા હોવાથી ગેરહાજર રહ્યાનું જણાવ્‍યું હતું.

બેઠક પૂરી થયા બાદ અમુક ધારાસભ્‍યોએ જણાવ્‍યું હતું કે તિરંગા યાત્રા સિવાય આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનની આવી રહેલ ચૂંટણી પહેલા સંગઠનને સક્રિય કરવા માટે પણ લેસન આપવામાં આવ્‍યું હોવાનું જણાવ્‍યું હતું.

(2:21 PM IST)