તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ ૧૦ લાખની લાંચ માંગણી કરતા સકંજામાં
લાંચની રકમ માટે નાણાંને બદલે ડોકયુમેન્ટ શબ્દ વાપરેલ પણ આખરે એસીબી સમક્ષ રહસ્ય ખુલી ગયું: પડદા પાછળ રસપ્રદ કથા એફએસએલ રિપોર્ટમાં વોઇસ સ્પેકટોગ્રોફીમાં વોઇસ મેચ થયાંનાં રિપોર્ટ આધારે કાર્યવાહીથી ખળભળાટઃ સરકારની છબી ખરડાતા મુખ્યમંત્રી, ગૃહમંત્રી એક્શન મોડમાં, એસીબી વડા શમશેરસિંઘની રણનીતિ મુજબ અમલવારી, હજુ ઘણા ધડાકા થશે.

રાજકોટ તા.૩: ભ્રષ્ટાચારનાં વધતા જતા કિસ્સાઓ સામે રાજ્ય સરકાર સામે મુખ્યમંત્રી દ્વારા એક્શન મોડમાં આવી હવે આકરા પગલાઓ લેવા એસીબી વડા શમશેરસિંઘને આપેલ સૂચના અંતર્ગત લંચિયાઓ સામે સખ્ત હાથે કામ લેવાના મતના એસીબી વડા શમશેરસિંઘ સહિતના અધિકારીઓ દ્વારા આખી રણનીતિ ઘડી તેની અમલવારી ચુસ્તપણે કરવાની રણનીતિ રંગ લાવી છે.
સુરતના આમ આદની પાર્ટીના બે મ્યુનિસિપલ કોર્પોરેટરો દ્વારા પે એન્ડ ર્પાકિંગનાં કોન્ટ્રાકટર પાસે દશ લાખ રૂપિયાની માંગણી કર્યાની ફરિયાદ અંતર્ગત કોઈ કાચું ન કપાઈ તે માટે એસીબી વડાનાં આદેશ અનુસાર એફએસએલમાં વોઈસ ચકાસણી માટે મોકલેલ , એફએસએલ અભિપ્રાય આવતા આરોપી કોર્પોરેટર પૈકી એકની અટક કરી લેવામાં આવી હતી, બીજા કોર્પોરેટર નાશી છુટતા તેને પકડવા માટે વિશેષ ટીમો બનાવી જવાબદારી સુપ્રત કરી છે.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સુગમતા મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૫૩ ના ફાઇનલ પ્લોટ નં.૮૮ માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવેલ. આ અંગે ‘પે એન્ડ પાર્ક'નો કોન્ટ્રાક્ટ એ.સી.બી.ના અરજદાર/કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ. આ ‘પે એન્ડ પાર્ક'ની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્રારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી. સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં. ૧૬ અને ૧૭ ના કોર્પોરેટર (૧) જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને (૨) વિપુલભાઈ વસરામભાઇ સુહાગીયાનાઓએ આ ‘પે એન્ડ પાર્ક'ની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધેલ, જે દરમ્યાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી, તેઓ સાથે તકરાર અને બોલાચાલી કરી, આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપેલી.
આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવેલ અને ત્યારબાદ આ બંન્ને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવુ હોય તો રૂા.૧૧ લાખ આપવા પડશે તેવી માંગણી કરેલ. આ અંગે બંન્ને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં તથા મોબાઇલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણપૂર્વકની રકઝકને અંતે રૂા. ૧૦ લાખ આપવાનું નક્કી થયેલ. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવેલ. આ વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ‘ડોકયુમેન્ટ' આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા; જે અંગે વાતચીતમાં જ ડોકયુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ.
આ અંગે કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના નાણાં આપવા માંગતા ન હોઇ, વાતચીતના રેકોડીંગની CD સાથેની વિગતવારની અરજી એ.સી.બી.માં કરેલ. આ આધારે એ.સી.બી. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં FSL માંથી સૌપ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્રારા રજુ કરવામાં આવેલ CD નું ‘No-Tempering’ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ. આ અંગે CD માં રેકોર્ડ થયેલ સંવાદો અવલોકને લેતા બંન્ને કોર્પોરેટર આરોપીઓ દ્રારા લાંચની માંગણી થયેલાની હકીકતને સમર્થન પ્રાપ્ત થયેલ. આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું FSL ખાતે ‘વોઇસ સ્પેક્ટોગ્રાફી' પરિક્ષણ કરાવવામાં આવેલ. આ પરિક્ષણમાં રજુ થયેલ CD માં અરજદાર/ કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું FSL દ્રારા પ્રસ્થાપિત થયેલ અને આ અંગેનું પ્રમાણપત્ર આપેલ; જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્રારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલ રૂા. ૧૦ લાખની લાંચની માંગણીને તપાસ દરમ્યાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયેલ.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
