તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સસ્તા અનાજના દુકાનદારોએ પોતાની ગેરહાજરીમાં હવે ફરજીયાત અન્ય કોઇને ચાર્જ સોંપવો પડશેઃ ડીએસઓને જાણ કરવાની રહેશે
હવે કાર્ડ હોલ્ડરોને ધક્કા નહિ થાયઃ પુરવઠા તંત્રનો મહત્વનો પરિપત્રઃ ૧૭ હજાર દુકાનોને લાગુ..

રાજકોટ તા.૩: ગુજરાતના ૭૩ લાખ NFSA(નેશનલ ફૂડ સિકયુરિટી એક્ટ) કાર્ડ ધારકો માટે પુરવઠા તંત્રે મોટો નિર્ણય કર્યો છે. હવે રેશન લેવા જતી વખતે સસ્તા અનાજની દુકાન બંધ જોવા મળશે નહીં. સસ્તાં અનાજની દુકાનો બંધ હોવાની ફરિયાદો મળતા સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારી અધિકારીઓની જેમ હવે રેશન વિતરકોએ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈને ચાર્જ સોંપવો પડશે. આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે. વિતરકની ગેરહાજરીમાં અન્ય કઈ વ્યક્તિ દુકાન ચાલુ રાખશે તે અંગે તંત્રને માહિતગાર કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે ૧૭ હજાર દુકાનો નોંધાઈ છે.
અગ્રતા ધરાવતા પરિવારોને ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણઃ એ જ રીતે રાજ્યના ૬૬ લાખ જેટલા ‘‘અગ્રતા ધરાવતા કુટુંબો''ની (પ્રાયોરિટી હાઉસ હોલ્ડ- P.H.H.) ૩.૨૩ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં, ૨ કિલો ચોખા અને ૧ કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે.
રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા ચણા. રૂ.૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-૨૦૧૩ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.(૨.૨૧)
દુકાને ફરજિયાત હાજરીની પધ્ધતિ સામે દુકાનદારોનો વિરોધઃ સરકાર સાથે બેઠક
સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોના સંગઠન વચ્ચે સંઘર્ષની શકયતા
રાજકોટ તા.૩: રાજય સરકારના નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદારો માટે દુકાને દરરોજ બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પુરવાની વ્યવસ્થા કરી છે. તેના અમલની તૈયારી થઇ રહી છે. તેની સામે દુકાનદારોમાં એસો.એ વિરોધ કર્યો છે. આ મુદે ચર્ચા કરવા દુકાનદારો અને સરકાર વચ્ચે સંઘર્ષ થવાની શકયતા ડોકાય રહી છે.
નવી જોગવાઇ મુજબ દુકાનદારે કામકાજના દિવસોમાં પુરતો સમય પોતાની દુકાને હાજરી આપવી પડશે. દરરોજ બાયોમેટ્રિક પધ્ધતિથી (અંગુઠાથી) હાજરી પુરવી પડશે. દુકાનદાર ગમે ત્યારે દુકાન બંધ રાખી શકશે નહિ. દુકાનદાર વતી કોઇ દુકાન બારોબાર ચલાવી ન શકે તેવો સરકારનો હેતુ છે. નવી પધ્ધતિના પ્રતિકુળ મુદ્દાની ચર્ચા કરવા આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાયેલ છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
