તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
૨૩૦૦ કરોડના સટ્ટાકાંડના આરોપી દીપક ઠક્કરના ડિવાઇસમાંથી ૪૭ માસ્ટર ID મળ્યા
ડબ્બા ટ્રેડિંગ માટેનું વેલોસીટીનું સર્વર દુબઇના સમીર નેપાલી પાસેથી લીધું હતું: તે સર્વરનો ઉપયોગ કરી અબજો રૂપિયાનો સટ્ટો આરોપીએ રમાડ્યો હતો ભારત સિવાય દુબઇ, હોંગકોંગ, સિંગાપોર, શ્રીલંકા જેવા દેશોમાં પૈસા મોકલ્યાઃ જુદી જુદી કંપનીના નામે ૧૯૩ સીમકાર્ડ ખરીદ્યા, ૫૩૬ બોગસ ખાતા ખોલાવ્યા

અમદાવાદ,તા. ૩: ૨૩૦૦ કરોડના સટ્ટાકાંડના મુખ્ય આરોપી દીપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કરને એસએમસીએ દુબઇથી ઝડપી લીધો છે. ત્યારે તેના ઓફિસના કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઇલ સહિતની ઇલેકટ્રોનિક વસ્તુઓમાં ટેલીગ્રામ એપ્લિકેશન મારફતે શેરબજારના ડબ્બા ટ્રેડિંગના ૪૭ માસ્ટર આઇડી મળી આવ્યા છે. આ તમામ આઇડી મામલે પણ એસએમસીએ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત તપાસમાં એવી પણ વિગત ખુલી છે કે, આરોપીએ ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડવા માટે વેલોસીટીનું સર્વર દુબઇ ખાતે રહેતા સમીર ઉર્ફે સેમ નેપાલી પાસેથી મેળવ્યું હતું. તે સર્વરનો ઉપયોગ કરી અબજો રૂપિયાનો સટ્ટો આરોપીએ રમાડ્યો હતો. બીજી તરફ આરોપીને કોર્ટમાં રજૂ કરતા સ્પે. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
આરોપી દીપકને સ્પે. કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. જયાં ખાસ સરકારી વકીલે એવી દલીલ કરી હતી કે, દીપક મુખ્ય આરોપી છે અને પ્રત્યાપર્ણ દરખાસ્ત આધારે દુબઇ(યુએઇ) ખાતેથી ડિટેઇન કરી ધરપકડ કરવામાં આવ્યો છે, આરોપી સાથે તેનો ભાઇ અતુલ તથા વોન્ટેડ આરોપી ભરત ઠક્કર વેજલપુર ખાતેની ઓફિસમાં વીવીઆઇપી સોફટવેર નામની ઓફિસમાં વેલોસીટીનું સર્વર ચલાવતા હતા તેમાં કોની શું ભૂમિકા છે, શેરબજાર ડબ્બા ટ્રેડિંગ પ્રકરણમાં અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશ માળી, અમિત ખત્રી સાથે રાખી દીપકની પૂછપરછ કરવાની છે, આરોપી દીપક ઠક્કરે આંગડિયા પેઢી તથા દ્વારા ૪૩.૩૨ લાખના વ્યવહાર કર્યા હતા તે મામલે આરોપીની પૂછપરછ કરવાની છે, આ કેસમાં આરોપીનો ભાગીદાર ભરત ઠક્કર ફરાર છે અને વેલોસીટી સર્વર આપનાર સમીર ઉર્ફે સેમ નેપાલી દુબઇ રહે છે તે બન્ને આરોપીઓની વિગત દીપક પાસેથી મેળવવાની છે.
વધુમાં સરકારી વકીલે દલીલ કરી કે, તપાસ દરમિયાન એન.ડી. ટ્રેડર્સ નામનું બેંક એકાઉન્ટ મળ્યું છે તે એકાઉન્ટ આરોપી દીપકને ત્યાં નોકરી કરતા નરેશ દયારામ ઠાકોરના નામે ખોલાવ્યું હતું તે ખાતામાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગના વ્યવહારો અંગે તપાસ કરવા આરોપીની હાજરી જરૂર છે, આરોપીઓએ અલગ અલગ બેંકોમાં ખોટા નામ તથા કંપનીઓ ખોલી ૨૩૨૩ કરોડ રૂપિયાના વ્યવહાર કર્યા હોવાની તપાસમાં બહાર આવ્યું છે તો આ સુઆયોજીત નેટવર્ક કેવી રીતે ચાલતું હતું તેની તપાસ કરવાની છે. જેથી કોર્ટે ૧૪ દિવસના રિમાન્ડ આપવા જોઇએ.
પોલીસ તપાસમાં એવી પણ વિગતો ખુલી છે કે, ભારતમાં આઇડીના આધારથી જુગાર રમાડી અહીંયાના નાણાં બેફામ રીતે અલગ અલગ માધ્યમથી દુબઇ, હોંગકોંગ, સિંગાપોર શ્રીલંકા જેવા દેશોમાં મોકલ્યા છે. આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી આરોપીઓએ ભારતની અર્થ વ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
રિમાન્ડ અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, સહ આરોપી હર્ષિત બાબુલાલ જૈન, અમિત મજીઠીયા, સૌરભ ઉર્ફે મહાદેવ પણ દુબઇ છે તેમની વિગતો આરોપી પાસેથી મેળવવાની છે, આરોપીઓ દુબઇ ખાતે રહી શેરબજારના ડબ્બા ટ્રેડિંગ તથા ક્રિકેટ સટ્ટા બેટિંગનો ગેરકાયદે જુગાર રમાડતા હતા તેથી તેમના દુબઇ ખાતેના સંપર્કો વિશે માહિતી મેળવવાની છે.
પોલીસ તપાસમાં એવી વિગત ખુલી છે કે, અગાઉ પકડાયેલ આરોપી પરેશ અરવિંદભાઇ ઠક્કર દુબઇ જતા પહેલાં જયપુર પોલીસના હાથે પકડાઇ ગયો હતો. ત્યારે દીપકનો નંબર પરેશ પાસેથી મળ્યો હતો. પરંતુ પરેશને દુબઇ જવા માટે વીઝા અને ફલાઇટની ટિકિટ દીપક ઠક્કરે જ કરાવી આપી હતી. આ મામલે પણ પોલીસે વધુ તપાસ આદરી છે.
તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે, આરોપીઓએ ખોટા નામના ભાડા કરારો બનાવી, ગુમાસ્તા ધારાનું લાયસન્સ મેળવ્યા બાદ પેઢીઓ બનાવી હતી. પછી આરોપીઓએ પેઢી-કંપનીઓના નામે ૧૯૩ સીમકાર્ડ ખરીદ્યા હતા અને ડમી વ્યકિત, પેઢીના નામે ૫૩૬ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં ૨૩૨૩ કરોડ રૂપિયાના સટ્ટાના વેપાર કર્યા હતા.
કઇ કઇ વસ્તુ પોલીસે કબજે કરી
૭ મોબાઇલ ફોન, ૩ લેપટોપ, ૫૩૬ ચેકબુકો, ૫૩૮ ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ૧૪ બેંકોના સ્વેપીંગ મશીન, ૧ એરટેલ કંપનીનું રાઉટર, ૧૯૩ સીમકાર્ડ, ૭ પાનકાર્ડ, ૮૩ પેઢીઓના સિક્કા.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
