Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

તુમ મુજે વોટ દો, મેં બરબાદી દુંગા !

ભારતીય નેતાગીરીએ પ્રેરણા લેવાનો અવસર : નેતાગીરી મત કે અનામત કેન્દ્રિત નહિ, રાષ્ટ્ર કેન્દ્રિત બને...

ભારતીયોનું મસ્તક ગૌરવથી ઉંચુ ઉઠાવવાનો આજે અવસર છે. ર૩ જાન્યુઆરી ૧૮૯૭ના દિને નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. નેતાજીએ આઝાદ હિન્દ ફોજના માધ્યમથી દેશને આઝાદ કરવા પ્રયાસ કર્યો હતો. કરૂણતા એ છે કે, આવા નેતાઓની ભારતે કદર કરી નથી. નેતાજીને મહત્વ અપાયું નહિ, તેમની હયાતી અંગે પણ તરેહ-તરેહની વાતો થઇ રહી છે. કમાલ એ ગણાય કે, નેતાજીના નિધન અંગે સરકાર સતાવાર કંઇ કહી શકતી ન હતી અને ૧૯૯રમાં નેતાજીને મરણોત્તર ભારતરત્ન અર્પણ કરી દેવાયો હતો... ભુતકાળને વાગોડયે રાખવાથી કંઇ ળવાનું નથી નેતાજીમાંથી પ્રેરણા લઇને વર્તમાન નેતાગીરી રાષ્ટ્રને સ્વમાનના સ્તર સુધી લઇ જઇ શકે છે.

 

યોગાનુયોગ તારીખ પ્રમાણે આજે ભાજપનો સ્થાપના દિન પણ છે. ર૩ જાન્યુ. ૧૯૭૭ના દિને ભારતીય જનતા પાર્ટીની રચના થઇ હતી. અનેક સંઘર્ષ બાદ આજે ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તાધીશ છે. ૭૦ વર્ષમાં બહુવીધ ભારતે કોંગ્રેસનું શાસન જોયું હતું. ભાજપ નેતાથી થોડો અલગ પડે છે, પરંતુ મોટાભાગે કોંગ્રેસ જેવો જ દેખાય છે.

તાજેતરમાં એક મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું- 'કોંગ્રેસ પણ કોંગ્રેસ મુકત બને !' આ બહુ મોટી વાત છે. અત્યાર સુધીનું કોંગ્રેસી કલ્ચર દેશ માટે યોગ્ય ન હતું... રાહુલ કોંગ્રેસની દિશા બદલવા પ્રયાસ કરી જ રહ્યા છે. સૌથી મોટી વાત એ ગણાય કે, ભાજપ ઝડપથી કોંગ્રેસ-યુકત બની રહ્યો છે !

વર્તમાન રાજકારણીઓ વિચિત્ર પ્રકારના વખડજંતરોમાં લોકોને ગોટે ચઢાવી રહ્યા છે. નીતનવા અભિયાનો અને નીતનવા વિવાદો લઇને આવે છે અને સમજદારી વગરના લોકોના ટોળા તેની પાછળ ઉલાળા લે છે. સમજદાર અને શકિતશાળી નેતા તરીકે સુભાષબાબુ ઉભર્યા હતા, પરંતુ એ સમયે પણ લોકોની રાષ્ટ્રહિત પ્રત્યેની સમજદારી કમ હશે. નેતાજીને પારાવાર અન્યાય થયો છતાં દેશ જોતો જ રહ્યો... આ રીતે તાકાતવર નેતા સરદાર પટેલને અન્યાય થયો હતો ત્યારે પણ ભારતીયો માત્ર જોતા જ રહ્યા હતા... આજે સરદાર-સરદાર કરનારા ચારે બાજુ ફૂટી નીકળ્યા છે, પરંતુ તેમની પાસે રાષ્ટ્રને બદલે વ્યકિતગત એજન્ડા છે.

દેશમાં મહાપુરૂષોને લોકોનો પૂરતો સહયોગ મળ્યો નથી. આ કારણે દેશ વિચિત્ર દિશામાં ફંટાઇ ગયો છે. નેતાગીરી લોકો નક્કી કરતા હોય છે, લોકોમાં જ દીર્ઘદૃષ્ટિ અને સમજનો અભાવ હોય તો દેશને સ્વાભાવિકરૂપે નુકસાન થાય છે.

'તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા...' આ સૂત્ર સુભાષબાબુએ આપ્યું હતું. આજની મોટાભાગની નેતાગીરીનું સૂત્ર છે, 'તુમ મુજે વોટ દો, મેં તુમ્હે બરબાદી દુંગા..' ૭૦ વર્ષમાં સામાન્ય મતદાર સાવ બરબાદ જેવો થઇ ગયો છતાં હજુ પોતપોતાના વાડાના રવાડે ચઢીને મત આપે છે. નેતાગીરીને પાવરફૂલ કરવી અને રાખવી એ લોકશાહીમાં લોકોની ફરજ છે. લોકો જાગૃત બને તો વર્તમાન દરેક નેતાએ નેતાજી અને સરદાર બનવું પડે. લોકો અસરદાર બને તો જ સુખાકારી પ્રાપ્ત થશે, નહિ તો બરબાદી...

(9:43 am IST)