Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

- એને ચંદ્રનો વડોપ્રધાન બનાવો !

ભારતમાં કારણ વગરના વિવાદો અને મગજ વગરના ન્યૂઝની મોસમઃ આ સ્થિતિ પ્રગતિમાં બાધક ગણાય..

ર૧ જાન્યુઆરી ૧૯૬૯ના દિને ભારતમાં પ્રથમ સ્વદેશી ડિજિટલ કોમ્પ્યુટર નિર્માણ થયું હતું. ભારત પાસે કોઇપણ ક્ષેત્રે તાકાત-બૌદ્ધિકતાનો અભાવ નથી, પરંતુ સ્થિતિ એવી બની છે કે, સુખી થવું એ ભારતનો સ્વભાવ નથી...

દેશમાં દરરોજ નીતનવા વિવાદો ધમધમે છે. આવા બકવાસો પાછળ શકિત-સમય વેડફાઇ રહ્યા છે. બે-ચાર મહિના પૂર્વે ગુજરાતમાં અશાંતિ-અરાજકતા-હિંસા ફેલાવનાર પાસની ટોળકીનો પૂરેપૂરો ડંકો રાજયમાં વાગ્યો નહિ. અનામતનું ગતકડું ચાલે તેમ નથી, તેવું સમજાઇ જતા આ ટોકળી હવે જુદા જુદા મુદ્દે સમાચારમાં રહેવા પ્રયાસ કરે છે. પાસ સમિતિએ રાજયપાલને મળીને રાજયની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે રજૂઆત કરનાર છે ! આંદોલન વખતે આગજનીમાં કરોડોનું નુકસાન થયું ત્યારે આ ટોળીને રાજયની ચિંતા ન હતી.. નુકસાનીની ભરપાઇની વાત તો દૂર રહી, રાજયની માફી માગવાનો પણ વિચાર આ ટોળી કરતી નથી. રાજયપાલને મળીને ટોળકી ટીવી પદડે મોટી-મોટી વાતો કરશે. મીડિયા ટોળકીના 'પરાક્રમો'નો વિચાર કર્યા વગર ન્યૂઝ પ્રસારિત કરી દેશે.

આવા મગજ વગરના ન્યૂઝની ભરમારો ચાલ્યા કરે યછે. ગઇકાલે એક સમાચાર આવ્યા. આંધ્રપ્રદેશમાં જીજ્ઞેશ મેળવાણીએ માંગણી કરી કે, દેશના ૭૦ ટકા દલિતો પાસે જમીન નથી, દરેકને પાંચ-પાંચ એકર જમીન મળવી જોઇએ. આ ન્યૂઝ ખૂબ પ્રકાશિત-પ્રસારિત થયા. આ માંગણીમાં બૌદ્દ્ધિકતા કેટલી છે તેનો વિચાર કર્યા વગર મીડિયાએ સમાચારો વહાવી દીધા. ભારતમાં જેટલા લોકો જમીન વ્હિોણા છે તેમને પાંચ-પાંચ એકર જમીન આપવા જેટલી જમીન ખાલી છે ? દરેક ધર્મ-નાતના જમીન વિહોણા લોકો આવી માંગણી કરે તો શું થાય ?

જે બાબત શકય જ નથી તેવી માંગણી શા માટે ? જે માંગણીમાં બૌદ્ધિકતાનો જરા પણ અંશ નથી તેના ન્યૂઝ શા માટે પ્રકાશિત-પ્રસારિત થાય છે ? દેશ આવા કારણ વગરના વિવાદો અને સમાચારોમાં ફસાઇ ગયો છે.

આવી માંગણી કરનારા હાસ્યાસ્પદ બનવા જોઇએ. જીજ્ઞેશ જેવાને ભારત ટૂંકું પડે, તેને ચંદ્રના કે અન્ય કોઇ ગ્રહોના વડાપ્રધાન ઘોષિત કરીને તેના હસ્તે પાંચ-પાંચ એકર જમીનનું વિતરણ કરવાની જાહેરાત થવી જોઇએ. !

આવા અસંખ્ય વિવાદો અને ઢગલાબંધ બકવાસ ન્યૂઝ દેશનો માહોલ બગાડે છે. દરેકને પોતાનું મહત્વ વધારવાનો અધિકાર છે, પરંતુ નેગેટીવ અને મગજ વગરની નીતિ રાખીને પોતાનો જનાધાર વધારવાની વૃત્તિ દેશને બરબાદ કરે છે પોઝેટીવ રહીને પણ નાત-સમાજ અને ધર્મની નક્કર એવા થઇ શકે છે. આવી સેવાથી પણ જનાધાર વધારી શકાય છે. સ્વદેશી ડિજિટલ કેમ્પ્યુટર ૧૯૬૯માં આપણે બનાવી લીધું હતું, પરંતુ હજુ ટેકનોલોજીમાં ભારત ખૂબ પછાત છે-કારણ કે આપણે મગજ વગરની માંગણીઓ અને સેન્સ વગરના ન્યૂઝની માયાજાળમાં ફસાયેલા છીએ.

(9:49 am IST)