Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ઇઝરાઇલે પતંગ ચગાવી... પાક. ગોથે ચઢ્‍યું !

આતંકવાદને કાતિલ ભરડો લાગી રહ્યો છે, પરંતુ ભરડો નિર્ણાયક બનવો જોઇએ

આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે. ૧૯ જાન્‍યુઆરી ૧૯૬૬ના દિને ઇન્‍દિરા ગાંધી ભારતના ત્રીજા વડાપ્રધાન બન્‍યા હતા. ઇન્‍દિરાજીએ ભારતના આક્રમક નેતૃત્‍વનો પરિચય આપ્‍યો હતો. આ ઉપરાંત ૧૯ જાન્‍યુઆરી ૧૯૭૦ના દિને ભારતનું પ્રથમ અણુપાવર સ્‍ટેશન શરૂ થયું હતું. ભારતે આક્રમક નેતૃત્‍વ અને નીતિ બંને દિશામાં કદમ માંડયા હતા, પરંતુ હકીકત એ છે કે- ભારતના સરહદ પારના પ્રશ્નો લટકતા જ રહ્યા છે. આતંકી હુમલા મુખ્‍ય સમસ્‍યા છે. હુમલો થાય ત્‍યારે ભારત સરકાર કહેતી, સરહદ પારના આતંકીઓએ હુમલો કર્યો... સરહદ ઓળંગીને આતંકી રસોડા સુધી આવી જાય એ આપણી શરમ ન ગણાય ? દાયકાઓ સુધી આવા હુમલામાં ભારતીયોના ફૂરચા ઉડ્‍યા...

વર્તમાન મોદી સરકારની નીતિ આક્રમક છે, પરંતુ હજુ કાશ્‍મીરમાં હુમલા ચાલુ જ છે. રાક્ષસી વૃત્તિ ધરાવતા પાકિસ્‍તાનને ખો ભૂલાવવા નિર્ણાયક કદમ જરૂરી છે. અમેરિકાના પાકિસ્‍તાન સાથેના સંબંધો ખાટા થયા છે. આ ઘટનામાં ભારતની ભૂમિકા મુખ્‍ય રહી છે. ઇઝરાઇલી વડાપ્રધાન ભારતની મુલાકાતે છે. બેન્‍જામીન નેતન્‍યાહુએ ગઇકાલે અમદાવાદની શેર કરી હતી. ચરખો કાતવાથી માંડીને પતંગ ચગાવવાની પણ મોજ માણી હતી. આ દૃશ્‍યો દર્શાવે છે કે ભારત-ઇઝરાઇલના સંબંધો ગાઢ બની રહ્યા છે. આત્‍મિયતા વધી રહી છે.

નેતન્‍યાહુએ પતંગ ચગાવી તેમાં પાકિસ્‍તાન આખું ગોથે ચઢી ગયું છે. ઇઝરાઇલ વિશ્વનું આક્રમક રાષ્‍ટ્ર છે. ભારત સાથે તેના સંબંધો ગાઢ બને એ પાકિસ્‍તાનને પેટમાં દુખાવા ઉપાડે તેવી જ ઘટના ગણાય. પાકિસ્‍તાનના વિદેશપ્રધાન ખ્‍વાજા આસીફે ઉકળાટ ઠાલવતા કહ્યું કે, અમે ભારત-ઇઝરાઇલ બંને દેશોનો સામનો કરી શકીએ છીએ.!

પાકિસ્‍તાન તોફાની ટાબરિયું છે પોતાની ક્ષમતા કંઇ નથી. અન્‍યના જોરે ઠેકડા મારે છે. અત્‍યાર સુધી અમેરિકા સહિતના પમિી રાષ્‍ટ્રોના ખર્ચે તાગડધિન્‍ના ચાલતા હતા. હવે અમેરિકા સાથે ખાટા થઇ ગયા છે. પાકિસ્‍તાન હાલ ચીનના જોરે ઉછાળા મારે છે. ભારતની આક્રમક વિદેશનીતિના કારણે પાકિસ્‍તાનને બરાબરનો ભરડો આવ્‍યો છે. આ ભરડો નિર્ણાયક બનવો જોઇએ. ભારત ભુતકાળમાં પણ આક્રમક બન્‍યું હતું, પરંતુ આક્રમકતા પરિણામલક્ષી બની ન હતી. હવે ભારતે પરિણામ તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જરૂરી છે.

ચારેબાજુથી ફસાયેલા પાકિસ્‍તાને ખતરનાક દાવ ખેલ્‍યો છે. વિદેશમંત્રી ખ્‍વાજા આસીફે નિવેદન કર્યું છે કે, ભારત અને ઇઝરાઇલ બંને દેશો ઇસ્‍લામ વિરોધ છે...

પોતાની ત્રેવડ પર પાકિસ્‍તાન જોર કરી શકે તેમ નથી તેથી અન્‍ય ઇસ્‍લામિક રાષ્‍ટ્રોને ઉશ્‍કેરીને ધર્મના સહારે અધર્મી કૃત્‍યો આગળ ધપાવવા ઇચ્‍છે છે. આ ખેલ ખતરનાક ગણાય. ભારતે રણનીતિપૂર્વક ગોથે ચઢેલા પાકિસ્‍તાનને કટ્‍' કરવું જરૂરી છે.

(9:42 am IST)