Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મચ્છર મારવાનું બજેટ બનાવો !

વિકાસની મોટી-મોટી વાતો કરતા ભાજપના નેતાઓ નાના-નાના પ્રશ્ને નમાલાઃ માર્કેટ યાર્ડમાં મચ્છરનું શાસન !

ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું છે. બજેટને વિકાસલક્ષી, કૃષિલક્ષી, ગ્રામીણલક્ષી ગણાવાઇ રહ્યું છે... પણ સોરી, આજે નીતિનભાઇના બજેટની ચિંતા નથી કરવી. આજે મુખ્યમંત્રીના શહેરની ચર્ચા કરવી જરૂરી છે. ગઇકાલે રાજકોટ મહાપાલિકામાં બજેટ અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે ભાજપ-કોંગ્રેસના કોર્પોટરો ઉંઘમાં વ્યસ્ત હતા. લોકોના પ્રશ્નો-સમસ્યાઓ એકબાજુ મૂકીને એસી બોર્ડ રૂમમાં નેતા-નેતી સમાજ નસકોરા બોલાવતા હતા...

બીજીબાજુ રાજકોટ માર્કેટ યાર્ડમાં વ્યાપારીઓ-દલાલોએ હડતાલ પાડીને રોડ પર દેખાવા-ચક્કાજામ કર્યા હતા. આ ોકો કોઇ વહીવટી કે કમિશન-ભાવના પ્રશ્ને બંધ પાળ્યો નથી, વ્યાપારીઓ-દલાલો-ખેડૂતો યાર્ડના મચ્છરોથી કંટાળીને હડતાલ પર ઉતર્યા છે.

વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓ માટે આ પ્રશ્ન ઢાંકણીમાં પાણી ભરીને ધૂબાકો મારવા જેવો છે. રાજકોટના પાયાના પ્રશ્ને લોકપ્રતિનિધિઓ જરા પણ રસ લેતા નથી. શાસક-વિપક્ષ પોતાના હિતના ગોકીરા કર્યે રાખે છે.

રાજકોટ મહાપાલિકાની બોર્ડ મીટીંગમાં વિપક્ષે મેયર પર લોલીપોપ ફેંકી હતી. વાસ્તવમાં કોંગીજનોએ વિપક્ષના નેતા પર જ લોલીપોપ ફેકવી જોઇએ. અસંખ્ય લોકપ્રશ્નો છે, આ અંગે નિર્ણાયક વિરોધ કરવાને બદલે સતત ફાલતુ નિવેદનો જ ફટકાર્યે રાખે છે. બીજો દૃષ્ટિકોણ એ પણ છે કે, મેયર પર લોલીપોપ ફેકવામાં આવે તો લોલીપોપનું અપમાન થયું ગણાય...

રાજકોટના મેયર ડોકટર છે. અન્યક્ષેત્રો તો ઠીક, આરોગ્ય ક્ષેત્રે તો રાજકોટમાં ટનાટન કામ થવું જ જોઇએ, પરંતુ મધ્છરોનો ત્રાસ માત્ર યાર્ડમાં જ નહિ, સમગ્ર શહેરમાં છે. શહેરના મુખ્ય માર્ગોને બાદ કરતા ચોમેર ગંદકીના ગંજ છે. મેયર ડોકટરને આ બધું દિલમાં ડંખવું જોઇએ, પણ ડંખતું નથી. શહેરને ટનાટન રાખવાને બદલે તબીબીક્ષેત્રનો ધંધો ફૂલેફાલે તેવી ગંદી દશા શહેરની થઇ રહી છે. આવા શાસક લોલીપોપને લાયક પણ ન ગણાય.

મચ્છર જેવા પ્રશ્ને યાર્ડ બંધ રાખીને હડતાલ પાડવી પડે એ બાબત શાસકો માટે શરમજનક ગણાય. ભાજપીઓ વિકાસના ગોકીરા કર્યે રાખે છે, પરંતુ સામાન્ય પ્રશ્નો પણ ઉકેલી શકતા નથી. બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસ દિશા વગર ભટકયા કરે છે.

મુખ્યમંત્રીના શહેરની આ દશા છે. વિજયભાઇને આદર પૂર્વક જણાવીએ કે, વિકાસના બે-પાંચ કામો ઓછા થાય કે મોડા થશે તો ચાલશે, લોકોના પાયાના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપીઓને ધંધે લગાડો... બજેટમાં પણ થોડી રકમ મચ્છર મારવાના મિશન માટે જરૂરી છે.

મચ્છર અને રાજકોટના નેતાઓ વચ્ચે રાજકોટવાસીઓનું લોહી પીવાની સ્પર્ધા જામી છે એ બંધ થવી જોઇએ. લોકોને સવા શેર લોહી ચઢે તેવું શાસન આપો અથવા...

(9:32 am IST)