Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2024

ૐ હં હનુમતે નમઃ

હે અજરા અમર દેવ, સંજીવની લઇને પધારો, બેશુધ્‍ધ ધર્મને ભાનમાં લાવો જય હનુમાન જ્ઞાન-ગુણ સાગર...

આવતીકાલે રામ ભકત હનુમાનજી મહારાજની જન્‍મ જયંતી છે. અજરા-અમર હનુમાનજી ધર્મ ક્ષેત્રનું વીરલ પાત્ર છે. વાનરનું સ્‍વરૂપ અને માણસાઇમાં સર્વોચ્‍ચ તથા દેવાધિદેવ શિવજીનો અવતાર...

હનુમાનજીનું વ્‍યકિતત્‍વ વિશિષ્‍ટ છે. બળ અને બુધ્‍ધિનો સંગમ ... જ્ઞાન  ગુણનો ભંડાર છે. વિદ્યાઓના દાતા છે. સર્વશકિતમાન છે, પણ સેવક છે. પરામક્રમોનો પાર નથી, પણ પ્રામાણિકતા છોડી નથી. ભૂતપ્રેત તેનાથી ડરે, પણ હનુમાનજીએ કયારેય મર્યાદા ચુકી નથી.

વર્તમાન સમયમાં સૌથી વધારે પૂજાતા દેવ હનુમાનજી મહારાજ હશે. કિશોર-યુવા પેઢીમાં પણ બજરંગ બલી સૌથી વધારે લોકપ્રિય છે. ડીપીમાં હનુમાનજી મહારાજને ગોઠવી દેવાની ફેશન ચાલે છે, પણ હનુમાનજીનું એકાદ લક્ષણ પણ આત્‍મસાત કરવાનો રીવાજ નથી.

ભારત ધર્મથી ધબકતો દેશ છે. ધાર્મિક લોકોનો પાર નથી. જો કે મોટાભાગનાં લોકો ભય અથવા લાલચના કારણે ધર્મના રવાડે ચઢયા હોય છે. એકાદ કામ પાર ન પડે તો દેવી-દેવતા બદલી નાખવાની પરંપરા બની ગઇ છે, પરંતુ ખુદના કુલક્ષણો બદલવા તરફ ધ્‍યાન અપાતું નથી.

ખુદમાં પરિવર્તન લાવવું જરૂરી છે. આ માટે ધર્મથી ઉપર ઉઠીને આધ્‍યાત્‍મિકતામાં કદમ માંડવું અનિવાર્ય છે. આપણે અન્‍યને તથા દુનિયાને બદલવા મથીએ છીએ. પણ ખુદનામાં બદલાવ લાવતા નથી. આવા ધર્મની કોઇ વિશેષ વેલ્‍યુ રહેતી નથી. સાધુ-સાધ્‍વીજીઓ વિદેશ ઉડાઉડ કરીને ધર્મના કાર્યક્રમો આપે છે. વિદેશીઓ પણ મૂરખ છે, તેઓ કહેતા નથી કે, ભારતમાં સામાન્‍ય શિસ્‍ત કે સમજનો અભાવ છે. સમસ્‍યાઓનો પાર નથી, આ સ્‍થિતિ સુધારવાને બદલે અમને સુધારવા શા માટે આવો છો....?

જો કે મોટાભાગનાં મહાત્‍માઓ ખુદની આંતરિક યાત્રા કરતા નથી. થોડું ગોખી-જાણી-મેળવીને મહાન બની જાય છે અને દુનિયાને બદલી નાખવાના નામે મોજે દરિયા કરે છે.

આગળ કહ્યું તેમ હનુમાનજીને વરદાન મળેલું છે, તેઓ અજરા-અમર છે. તેઓ સશરીર વિદ્યમાન છે. હાલના ભકતો અને ધર્મની દશા જોઇને તેઓ હસતા હશે. ભકતોનો પાર નથી, પરંતુ ડીપીમાં ગોઠવીને દિલમાંથી  કાઢી નાખે છે. બજરંગબલી અસામાન્‍ય પાત્ર છે. તેના ભકતોમાં પણ અસામાન્‍યતા ખીલવી જોઇએ. હનુમાન જયંતીએ બુંદી-ગાંઠિયા ઝાપટી લેવાથી એમના ગુણો ન ખીલે, શનિવારે તેલ ચઢાવી દેવાથી જ હનુમાનજીની કૃપા પ્રાપ્ત ન થઇ જાય.

બલ-બુધ્‍ધિ-વિદ્યા સહિતના ગુણો ખીલવવા આંતરયાત્રા કરો તો હનુમાનજીની સહાય પ્રાપ્ત થાય. એમની કૃપાનો ધોધ નિરંતર વહી જ રહ્યો છે, કૃપા માટે આપણે લાયક બનવાનું છે. ભગવાન જે ન કરી શકે તે સાચા ભકત કરી દેખાડે છે. રામથી પથ્‍થર ન તરે, પણ તેના ભકત હનુમાનજીની ભકિત-શ્રધ્‍ધાથી પથ્‍થર તરે છે.

આપણે કેવા ભકત છીએ ? આપણી ભકિતથી પથ્‍થરો તો તરતા નથી, પણ આખો ધર્મ ડુબી રહ્યો છે. આજના મંગલ દિને પવનપુત્રને પ્રાર્થના કરીએ કે સંજીવની લઇને પધારો અને બેશુધ્‍ધ ધર્મને સજીવન કરો.

(10:12 am IST)