Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રામ કા નામ બદનામ ન કરો

રામ નવમીએ આડા- અવળા નિવેદનોઃ રાજકારણીઓને દરેક મુદ્ે મતનો જ દેખાય છેઃ ભગવાનને પણ....

અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર બિરાજમાન રામ લલ્લાની મૂર્તિ પર સૂર્યતીલક થયું. આ દૃશ્ય અદ્ભુત હતું. વડાપ્રધાન મોદીજી ઓનલાઇન આ દિવ્યક્ષણના દર્શન કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

ભાજપના શાસનમાં સદીઓ પુરાણો રામ જન્મ ભૂમિ વિવાદ ઉકેલાયો છે અને આ સ્થાને ભવ્ય મંદિર બન્યું છે. સ્વાભાવિક છે કે, આવા સ્ટ્રોંગ મુદાનો ચૂંટણીમાં ઉપયોગ થાય જ. રામ જન્મ ભૂમિ વિવાદ ઉકેલ્યાનું ગૌરવ, ચૂંટણીનો માહોલ અને રામનવમી જેવો દિવસ... આ સ્થિતિનો લાભ લેવા ભાજપ પાસે આયોજન હોય જ.

ભારતમાં ધાર્મિકતા સર્વવ્યાપ છે. રાજનીતિમાં તેનો ઉપયોગ થાય તે સ્વાભાવિક છે. આવા મુદ્ે વિપક્ષે ચેતીને ચાલવાનું હોય છે. જો કે ભાજપ અને મોદીના વિરોધની લ્હાયમાં વિપક્ષ ભાન ભૂલીને બાફી મારે છે અને ભાજપીઓનો માર્ગ આસાન કરી દે છે.

સપા નેતાઓએ ગઇકાલે અયોધ્યાનો માહોલ જોઇને ઇર્ષ્યાની આગમાં ભાજપને બદલે રામનો વિરોધ કરી નાખ્યો. યાદવ પરિવારે તો તોછડાઇથી કહી દીધું કે, રામનાં ઘણાં મંદિરો છે, અહીં અયોધ્યામાં જ લોકો કેમ એકઠા થાય છે...?

ધર્મપ્રવાહ વિરોધના નિવેદનો નેતાને કદાચ એકાદ બેઠક પર ફાયદો કરતા હશે પણ અન્ય બેઠકોમાં પથારી ફેરવે છે. સપા ઇન્ડિયા મોરચાનો હિસ્સો છે, કોંગ્રેસ અકારણ નંદવાઇ જાય છે.

કેજરીવાલના નેતા સોમનાથ ભારતી બોલ્યા કે, ભગવાન રામના કહેવાથી કેજરીવાલે મને ઉમેદવાર બનાવ્યો છે. રામ નવમીએ સોમનાથ ભારતીએ ભગવાનની રીતસર મજાક ઉડાવી હતી.

બીજી તરફ પ.બંગાળના નેતા મમતા બેનરજીએ તો ગજબ હરકત કરી નાખી છે. વડાપ્રધાનથી માંડીને નેતાઓ રામ નવમીની વધાઇ દેતા હતા ત્યારે મમતાએ લોકોને વધાઇ આપવાને બદલે ટવીટ કર્યુ કે, રામ નવમીએ દંગા ન કરતા, શાંતિ રાખજો....!

આ હરકતનો અર્થ એ થાય કે રામના ભકતો દંગાખોર છે. વિપક્ષના નેતાઓની ધર્મ પ્રત્યે આવી હરકતોના કારણે બહુમતી સમુદાયમાં તે લોકપ્રિય બની શકતા નથી. લઘુમતીઓને રાજી રાખવાની લ્હાયમાં વિપક્ષ સીમિત બેઠકોથી આગળ વધી શકતો નથી. ચૂંટણીમાં પરાજિત થાય ત્યારે ઇવીએમ પર ઠીકરા ફોડે છે.

સમગ્ર સ્થિતિ પર તટસ્થ નજર નાખો તો વિપક્ષના નેતાઓ જ ભાજપને ઢાળ આપી દે છે. વિપક્ષો ધર્મ મુદ્ે બેફામ બની જાય અને ભાજપને મોજ આવી જાય છે. મોદીજી મજબૂત છે જ, પરંતુ આ મજબૂતી કરતા વિપક્ષની નબળાઇ વધારે અસરકારક છે. જો કે વર્તમાન વિપક્ષની દશા જોતા એ સીમિત બેઠકો સુધી જ બરાબર છે.

ભાજપમાં પણ મોદીજી-યોગીજી જેવા થોડા નેતાઓને બાદ કરતા રામના નામે મત લેવા કોઇ નેતુ લાયક નથી. ઘણાં ફાલતુ ભાજપીઓ મોદીજીના કારણે તરી જાય છે

(10:08 am IST)