Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ગૌમૂત્રઃ રિસર્ચ કરવાને બદલે બદનામી!

મમતાની મજાક નિર્દોષ કે માફી લાયક નથીઃ સંસ્‍કૃતિ અને શ્રધ્‍ધાનો ખ્‍યાલ રાખો

રાજનીતિનો જંગ પરાકાષ્‍ઠાએ પહોચવા લાગ્‍યો છે. ચારે-બાજુ નેતા-નેતીઓના ધાડા ઉભરાઇ રહ્યા છે. ભાષણોની ભરમાર ચાલી રહી છે. પક્ષ-ઉમેદવાર-નેતાઓ-કાર્યકરો અને મતદારો તથા મીડિયા વગેરે ખુદના લાભનો વિચાર કરીને રાજકીય સ્‍ટેન્‍ડ લઇ રહ્યા છે. રાષ્‍ટ્રહિતના વિચારની દશા બિચારા જેવી થઇ ગઇ છે.

મત માટે મરણિયા બનેલા નેતાઓ બેફામ થઇ ગયા છે. આડેધડ નિવેદનો આપે છે, જે દેશને-સંસ્‍કૃતિને પારાવાર નુકસાન કરે છે. પ. બંગાળના ખેપાની નેતા મમતા બેનરજીએ એક સભામાં ભાન ભૂલીને મજાક કરી હતી કે, ભાજપ જીતશે તો સવારે ચાને બદલે ગૌમૂત્ર પીવાનું અને લંચમાં ગોબર ખાવાનું કહેશે.

આ મજાક વાસ્‍તવમાં ગૌસંસ્‍કૃતિનું હળાહળ અપમાન છે. સનાતનમાં ગાયને માતાનો દરજજો અપાયો છે. ગૌ સેવાના નામે ઘણાં સુખ-સમૃધ્‍ધિ - પ્રસિધ્‍ધી અને પદ મેળવીને જલ્‍સા કરી રહ્યા છે, પણ ગૌસંસ્‍કૃતિના અપમાન સામે કોઇનું રકત ઉકળતું નથી. દરેક ખુદના લાભમાં વ્‍યસ્‍ત છે.

ભારતીય શાષાો પ્રમાણે ગૌમૂત્રમાં સરસ્‍વતીજી અને ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. પંચગવ્‍યથી સારવારનું શાષા વિકસ્‍યું છે. આ પ્રાચીન પધ્‍ધતિ અંગે ઊંડાણથી રિસર્ચ કરવાને બદલે ખુલ્લેઆમ તેનું અપમાન થઇ રહ્યું છે. મજાકનો વિષય બનાવવામાં આવે છે.

જો કે માત્ર મમતા બેનરજી જ નહિ, ગૌસેવકો, ગૌરક્ષકો, ગાયના નામે મત માગનારા પક્ષો, ગૌશાળાના સંચાલકો વગેરે પણ ગાયને કેન્‍દ્રમાં રાખીને ખુદનો સ્‍વાર્થ સાધતા મોટાભાગે દેખાય છે. ગૌવંશને સ્‍વમાન તો દૂરની બાબત છે, ભોજન અને મોત પણ સારી રીતે મળતા નથી.

ધર્મ-અધ્‍યાત્‍મથી માંડીને આરોગ્‍ય ક્ષેત્રે-કૃષિ ક્ષેત્રે ગૌમૂત્ર તથા ગોબરનો ભરપૂર ઉપયોગ થાય છે. આ પ્રયોગો અંગે ભલે સત્તાવાર રિસર્ચ નથી થયા, પરંતુ કરોડો લોકોની શ્રધ્‍ધા તેમની સાથે જોડાયેલી જ છે. શ્રધ્‍ધાની મજાક ઉડાવવાનો કોઇને અધિકાર ન હોય.

મમતા બેનરજી સામે અવાજ ઉઠતો નથી. ભાજપની નજરમાં આ મુદ્‌્‌ો આવશે તો એ બેફામ બનશે, પણ એ માત્ર રાજકીય લાભ લેવા પૂરતા જ સંસ્‍કૃતિના ગૌરવનો ઉપયોગ કરતો હોય તેમ લાગે છે. ગુજરાતમાં ૩૦ વર્ષનું શાસન અને કેન્‍દ્રમાં ૧૦ વર્ષના શાસનમાં ગૌ સંસ્‍કૃતિ અંગે કોઇ જ રિસર્ચ થયું નથી. ગુજરાતમાં તો ભાજપી આખલાઓ રખડતી ગાયોનો પ્રશ્ન ઉકેલવામાં પણ નિષ્‍ફળ રહ્યા છે.

આવા શાસકોના કારણે મમતા જેવા નેતા વિફરે છે. ચૈત્ર નવરાત્રીની અષ્‍ટમીએ ગાય માતાનું અપમાન થયું. ગૌમૂત્ર - ગોબરની મજાક ઉડાવાઇ, પરંતુ ધર્મના ઠેકા લઇને કરોડોમાં આળોટતા કોઇ કથાકારો, સંતો-સ્‍વામીઓ ચૂં કે ચા કરતા નથી. આવા ધાર્મિકતત્‍વો પણ ખુદના સ્‍વાર્થે ભગવાનને મામા બનાવવાના ધંધામાં વ્‍યસ્‍ત હોય તેમ નથી લાગતું...?

(10:26 am IST)