Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2024

બદલાના ભાવથી પણ કાર્યવાહી કરો જ..

રાજકીય હરીફો સેટિંગ કરે તો દેશને નુકસાન, ભ્રષ્‍ટ હોય તો કાર્યવાહી કરો જ...

અન્‍ય પક્ષનું કોઇ બદનામ નેતુ ભાજપમાં જોડાય તો ચોખ્‍ખુ થઇ જાય છે. બીજી તરફ એ પણ સાચું છે કે, એ નેતુ વિપક્ષમાં હોય ત્‍યારે વિપક્ષને પણ ચોખ્‍ખુ જ લાગતું હોય છે... ભાજપમાં જોડાયા બાદ જ વિપક્ષને વાંધો પડે છે.

કેજરીવાલ સરકારના પ્રધાને રાજીનામું આપ્‍યા બાદ આમ આદમી પાર્ટીએ એ પ્રધાન પર આક્ષેપોની ઝડી વરસાવી. પ્રધાન આપ' માં હતા ત્‍યાં સુધી આપને વાંધો ન હતો.

હાલ રાષ્‍ટ્રીય મીડિયામાં કેજરીવાલ છવાયેલા રહે છે. ઝડપાયા બાદ છટકવા માટે સતત કોર્ટના શરણે કેજરીવાલ જાય છે. આમ આદમી પાર્ટીની આતિશી સતત આક્ષેપો કરે છે કે, અમારા પર બદલાના ભાવથી કાર્યવાહી કરવામાં આવે છે.

જો કે વિપક્ષ-ઇન્‍ડિયા મોરચાના લગભગ દરેક પક્ષો સરકાર પર આક્ષેપ કરે છે કે, ઇડી-સીબીઆઇના માધ્‍યમથી માત્ર વિપક્ષને જ ટાર્ગેટ કરવામાં આવે છે. સ્‍થિતિ જોતા આ આક્ષેપમાં તથ્‍ય પણ દેખાઇ રહ્યું છે.

આ અંગે ઊંડાણથી ચિંતન કરો તો એવું લાગે છે કે, સરકાર બદલાના ભાવથી કાર્યવાહી કરે તો પણ ભ્રષ્‍ટતત્‍વો સામેનું અભિયાન યોગ્‍ય જ ગણાય. મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે, જાહેરમાં હરીફ ગણાતા શાસક-વિપક્ષ અંદરખાને ગોરખધંધાના સેટિંગ કરીને મોજ કરતા હોય છે. આ સ્‍થિતિ દેશ માટે નુકસાનકારક છે.

આ સામે બદલાના ભાવથી કાર્યવાહી થાય એ સારી સ્‍થિતિ ગણાય. ગમે તે ભાવથી ભ્રષ્‍ટ તત્‍વો પર કાર્યવાહી થાય તે આવકાર્ય જ ગણાય. બદલાના ભાવથી કાર્યવાહીથી કદાચ શાસક પક્ષના ભ્રષ્‍ટતત્‍વો છટકી જતા હશે, પણ આજનો વિપક્ષ જયારે સત્તા ઉપર આવશે ત્‍યારે એ પણ બદલાના ભાવથી કાર્યવાહી કરીને છટકી ગયેલા ભ્રષ્‍ટતત્‍વોને ઝડપી લેશે.

આ બહાને પણ ભ્રષ્‍ટતત્‍વો સામે કાર્યવાહી તો થાય છે. શાસક-વિપક્ષ અંદરખાને સેટિંગ કરી લે તો બંને મોજ કરવા લાગે અને ભ્રષ્‍ટાચાર કયારેય જાહેર ન થાય. બદલાના ભાવથી કાર્યવાહી નૈતિક રીતે કદાચ યોગ્‍ય ન ગણાય, પરંતુ હાલની રાજનીતિમાં નૈતિકતા શબ્‍દ જ બાષ્‍પિભવન થઇ ગયો છે.

કોઇપણ મનોભાવ હોય, ગુન્‍હેગાર સામે કાર્યવાહી થવી જ જોઇએ. માનો કે બદલાના ભાવથી જ કાર્યવાહી કરી છે, પરંતુ નિર્દોષ હશે તો છૂટી જશે. વિપક્ષે યાદ એટલું રાખવાનું છે કે, ભવિષ્‍યમાં ગમે ત્‍યારે સત્તા માટે, વર્તમાન શાસનના ભ્રષ્‍ટતત્‍વો સામે આક્રમક બનીને કાર્યવાહી કરજો.

આ પ્રક્રિયા ચાલુ રહે તો દેશ શુધ્‍ધ થવા લાગે. હાલ ભલે બદલાના ભાવથી કાર્યવાહી થાય, લોકોએ જીવ બાળવાની જરૂર નથી.

(10:11 am IST)