Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હૈદરાબાદની બિરયાનીએ મુંબઇના વડાપાઉનો પચકો બોલાવ્‍યો : IPLમાં નવા કિર્તીમાન

મેચમાં કુલ લાગ્‍યા ૩૮ છગ્‍ગા, ૩૧ ચોગ્‍ગા, રન બન્‍યા ૫૨૩ : હૈદરાબાદ ૨૭૭/૩, મુંબઇ ૨૪૬/૫

નવી દિલ્‍હી : આઇપીએલની આઠમી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્‍ડિયન્‍સને ૩૧ રનથી હરાવ્‍યું. આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૭૭ રન બનાવ્‍યા હતા. જવાબમાં મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં ૨૪૬/૫   રન જ બનાવી શકી હતી.

તિલક વર્માએ મુંબઈ માટે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો અને ૬૪ રનની શાનદાર ઈનિંગ પણ રમી, પરંતુ ટીમને વિજય રેખા પાર ન લઈ શકયા. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે કદાચ મેચમાં તેમના માટે મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદે આઇપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્‍કોર બોર્ડ પર મૂકયો, જેનો મુંબઈ પીછો કરી શકયું ન હતું. જો કે મુંબઈના બેટ્‍સમેનો ટીમને જીત અપાવવા માટે અંત સુધી પ્રયાસ કરતા રહ્યા, પરંતુ જીતી શકયા ન હતા.૨૭૮ રન એટલે કે આઇપીએલ ઈતિહાસના સૌથી મોટા ટોટલનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે ૫૬ (૨૦ બોલ)ની ભાગીદારી કરી હતી. પરંતુ તેનો પહેલો ફટકો ચોથી ઓવરમાં ઈશાનના રૂપમાં લાગ્‍યો હતો જે ૧૩ બોલમાં ૨ ચોગ્‍ગા અને ૪ છગ્‍ગાની મદદથી ૩૪ રન બનાવીને આઉટ થયો હતો.

ત્‍યારબાદ મુંબઈએ રોહિત શર્માના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. જે પાંચમી ઓવરમાં ૧ ફોર અને ૩ સિક્‍સરની મદદથી ૨૬ રન (૧૨ બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તિલક વર્મા અને નમન ધીરે ત્રીજી વિકેટ માટે ૮૪ રન (૩૭ બોલ)ની ભાગીદારી કરી, જેણે ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી. પરંતુ આ ભાગીદારી ૧૧મી ઓવરમાં નમન ધીરની વિકેટ સાથે સમાપ્ત થઈ, જે ૨ ચોગ્‍ગા અને ૨ છગ્‍ગાની મદદથી ૩૦ રન (૧૪ બોલ) બનાવીને આઉટ થયો હતો. આ પછી તિલક વર્મા ૧૫મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો જેણે ૩૪ બોલમાં ૨ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગા ફટકારીને ૬૪ રન બનાવ્‍યા. આ પછી ૧૮મી ઓવરમાં કેપ્‍ટન હાર્દિક પંડ્‍યાના રૂપમાં ટીમને પાંચમો ઝટકો લાગ્‍યો હતો. કેપ્‍ટન પંડ્‍યાએ ૨૦ બોલમાં ૧ ફોર અને ૧ સિક્‍સર ફટકારીને ૨૪ રન બનાવ્‍યા હતા. આઉટ થતા પહેલા હાર્દિકે ટિમ ડેવિડ સાથે પાંચમી વિકેટ માટે ૪૨ (૨૩ બોલ)ની ભાગીદારી કરી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્‍લાસને ૩૪ બોલમાં ૪ ચોગ્‍ગા અને ૭ છગ્‍ગા સાથે ૮૦ રન બનાવ્‍યા. આ સિવાય અભિષેક શર્માએ ૨૩ બોલમાં ૩ ચોગ્‍ગા અને ૭ છગ્‍ગાની મદદથી ૬૩ રન બનાવ્‍યા હતા. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે ૨૪ બોલમાં ૯ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગાની મદદથી ૬૨ રન બનાવ્‍યા હતા.

મુંબઈ તરફથી હાર્દિક પંડ્‍યા, ગેરાલ્‍ડ કોએત્‍ઝી અને પીયૂષ ચાવલાએ ૧-૧ વિકેટ લીધી હતી.

(3:06 pm IST)