Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વંશિય ટિપ્પણીનો મામલો: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને એશિઝ સિરીઝની કોમેન્ટ્રી પેનલમાંથી હાંકી કઢાયો!

માઈકલ વોન પર આરોપ છે કે તેણે 2009માં એક મેચ દરમિયાન અઝીમ રફીક પર વંશીય ટિપ્પણી કરી હતી

મુંબઈ :વંશીય ટીપ્પણીના મામલાએ ઈંગ્લેન્ડ ક્રિકેટને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે અને હવે આ કાંડમાં સામેલ ખેલાડીઓ પર પણ તેની આડઅસર થવા લાગી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને વંશીય ટિપ્પણીના કેસમાં નોકરી ગુમાવી દીધી છે. વાસ્તવમાં માઈકલ વોનને બીબીસી દ્વારા તેની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

માઈકલ વોન વંશીય કેસમાં ફસાયા બાદ બીબીસીએ આ મોટો નિર્ણય લીધો છે. યોર્કશાયરના ભૂતપૂર્વ કેપ્ટન પર સ્પિનર અઝીમ રફીકે (Azim Rafiq) વંશીય ટિપ્પણીનો આરોપ લગાવ્યો હતો. માઈકલ વોન પર આરોપ છે કે તેણે 2009માં એક મેચ દરમિયાન અઝીમ રફીક પર વંશીય ટિપ્પણી કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર નાવેદ-ઉલ-હસન રાણાએ પણ આ વિશે કહ્યું હતું કે તેણે માઈકલ વોનને જાતિવાદી ટિપ્પણી કરતા સાંભળ્યા છે.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવા પર બીબીસીએ કહ્યું, ‘માઈકલ વોન ક્રિકેટમાં એક અલગ જ સ્ટોરી સાથે સંકળાયેલા છે. સંપાદકીય કારણોસર માઈકલ વોનનું એશિઝ માટે અમારી ટીમમાં હોવું યોગ્ય નથી લાગતું.

માઈકલ વોન પોતાની સામેના વંશીય ટિપ્પણીના આરોપોને સખત રીતે નકારી કાઢે છે. વોને કહ્યું, ‘આ આરોપોથી મને ઘણું દુઃખ થયું છે. જાણે કોઈએ મને માથા પર ઈંટ મારી હોય. હું છેલ્લા 30 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલો છું અને મારી સામે આવો મામલો ક્યારેય આવ્યો નથી. આ આરોપો ક્યાંથી હવામાં આવ્યા તે ખબર નથી. હું આ આરોપોને સખત રીતે નકારી કાઢું છું. તમને જણાવી દઈએ કે માઈકલ વોન ઈંગ્લેન્ડના આઈકોનિક કેપ્ટનોમાંથી એક છે. 2004માં, વોનની કપ્તાની હેઠળ, ઈંગ્લેન્ડે 18 વર્ષ પછી એશિઝ શ્રેણી જીતી.

વોને તેની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દીમાં 45 સદી ફટકારી હતી. વોને 82 ટેસ્ટ મેચોમાં 41.44ની એવરેજથી 5719 રન બનાવ્યા છે. વોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 હજારથી વધુ રન બનાવ્યા છે. પરંતુ વોનના આ આંકડા અને તેની સિદ્ધિઓ અઝીમ રફીકના આરોપો બાદ પડી ભાંગી છે.

(8:39 pm IST)