Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મયંક-ગિલ ઓપનીંગ કરશેઃ શ્રેયસ ઐય્યરને ટેસ્ટકેપ

કાનપુરમાં કાલથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ જંગ : અશ્વિન, અક્ષર પટેલ, જાડેજા એમ ત્રણ સ્પીનરો મેદાનમાં ઉતારાશેઃ ભારત બંને ટેસ્ટ જીતી પોઇન્ટ ટેબલમાં સ્થાન મજબુત કરી લેશે

 કાનપુરઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ  આવતીકાલ ગુરુવારથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતારી શકે છે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ કે રવિચંદ્રન અશ્વિન, કોને તક મળશે તે હજુ નક્કી નથી. ટેસ્ટમાં બેટ્સમેન તરીકે રવિન્દ્ર જાડેજાની સરેરાશ સારી છે.  એવું માનવામાં આવે છે કે જાડેજા અને અશ્વિનને બીજા સ્પિનર તરીકે તક મળી શકે છે. જયારે શ્રેયસ ઐય્યર ટેસ્ટ મેચમાં પર્ર્દાપણ કરે તેવી પુરે પુરી સંભાવના છે.

  અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમ માટે મિડલ ઓર્ડરની સૌથી મજબૂત કડી માનવામાં આવે છે, પરંતુ તેનું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંત છે. રહાણેએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સદી ફટકારી હતી અને ત્યાર બાદ તેના બેટમાંથી એક પણ મોટી ઇનિંગ્સ નીકળી નથી. કોહલીની સાથે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને યુવા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને પણ ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. આ શ્રેણીમાં જયંત યાદવ, કેએસ ભરત અને શ્રેયસ અય્યર જેવા યુવાનોને તક આપવામાં આવી છે.

ન્યુઝીલેન્ડની ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં છે. કેન વિલિયમસન ટેસ્ટ શ્રેણીમાં પરત ફર્યો છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.  ન્યુઝીલેન્ડ અહીં ક્યારેય ભારતને હરાવી શક્યું નથી.  ટીમ ઈન્ડિયાએ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચોમાંથી ૫માં જીત મેળવી છે. 

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો વિજય ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સીરીઝમાં ભારત બંને મેચ જીતીને ટેસ્ટ ચેમ્પિયનશિપના ૨૪ પોઈન્ટ મેળવી શકે છે.

  સિરીઝ જીત્યા બાદ તે પોઈન્ટ ટેબલમાં બાકીની ટીમો કરતા ઘણી આગળ થઈ જશે.  ટીમ ઈન્ડિયા હજુ પણ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે, પરંતુ જીતની ટકાવારીના મામલે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ પણ ભારતથી પાછળ નથી.  

   ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ

 ન્યુઝીલેન્ડ બાદ ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ રમવાની છે.  ભારત માટે આ પ્રવાસ આસાન નહીં હોય.  આ પછી શ્રીલંકા ભારત આવશે અને બે મેચ રમશે.  ભારત આ સિરીઝ સરળતાથી જીતી શકે છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ ભારતની પાંચમાંથી ત્રણ મેચ આફ્રિકામાં છે.  ભારત માટે અહીં ટેસ્ટ મેચ જીતવી મુશ્કેલ હશે.  એટલા માટે ભારત કોઈપણ ભોગે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી જીતવા ઈચ્છશે.

  પાકિસ્તાન બાંગ્લાદેશ સામે પણ ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે અને એવી પૂરી સંભાવના છે કે પાકિસ્તાન આ સિરીઝ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ આવે.  જો કે ભારત ન્યુઝીલેન્ડને ૨-૦થી હરાવીને નંબર વન પર રહી શકે છે.

  ન્યુઝીલેન્ડ સામે ૨૪ પોઈન્ટ

 ICCના નિયમો અનુસાર, મેચ જીતવા માટે, વિજેતા ટીમને ૧૨ પોઈન્ટ મળે છે.  ન્યુઝીલેન્ડ સામેની બંને મેચ જીતીને ભારત ૨૪ પોઈન્ટ મેળવી શકે છે.  આ પછી આફ્રિકામાં સીરીઝમાં ૩૬ પોઈન્ટ અને શ્રીલંકા સામેની સીરીઝમાં ચેમ્પિયનશીપથી ૨૪ પોઈન્ટ દાવ પર રહેશે.  જો ભારત ન્યૂઝીલેન્ડને હરાવશે તો આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કિવી ટીમની શરૃઆત ખરાબ રહેશે.  ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી ૨૦૨૧-૨૦૨૩ ચેમ્પિયનશિપમાં એક પણ મેચ રમી નથી.

(1:12 pm IST)