Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

BCCIને ઝાટકો : હવેથી પ્રસારણના હકો ઈ-હરરાજીથી થશે

કમીટી ઓફ એડમિનિસ્ટ્રેટ્સએ હરરાજીની પ્રક્રિયામાં મહાફેરફારો કર્યા : બોર્ડ નારાજ : ભારતમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટ્રીક મેચો માટેના પ્રસારણના હકો હાલ સ્ટાર સ્પોર્ટસ પાસે છે : સીઓએએ કોઈને જાણ કર્યા વગર નિર્ણય લઈ લીધો

નવી દિલ્હી : સીઓએ (કમીટી ઓફ એડમિનીસ્ટ્રેટર્સ)એ પોતાની હરરાજી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરતા નિર્ણય લીધો છે કે આગામી આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટીક મેચો માટે બીસીસીઆઈના મીડીયા અધિકાર (પ્રસારણ અને ડીજીટલ) ઈ - હરરાજીથી આપવામાં આવશે. આ પહેલા ટેન્ડર પ્રક્રિયા સીલબંધ કવર દ્વારા કરવામાં આવતી હતી.

ઈ-હરરાજી લગભગ ૨૭ માર્ચના રોજ યોજાઈ તેવી શકયતા છે. આ અધિકારોને ત્રણ વિભાગોમાં વહેચવામાં આવ્યો છે. જે વૈશ્વિક ટેલિવિઝન રાઈટ્સ અને બાકીના વિશ્વ ડીજીટલ અધિકાર પેકેજ, ભારતીય ઉપમહાદ્વીપના ડીજીટલ અધિકાર તથા વૈશ્વિક સંયુકત અધિકારના પેકેજ રહેશે. જો કે વિનોદ રાયના અધ્યક્ષપદ વાળી સીઓએએ મોટાભાગના નીતિગત નિર્ણયો પોતાની મેળે જ લીધા છે અને તેના માટે બીસીસીઆઈની સામાન્ય બેઠક પણ નથી બોલાવવામાં આવી.

એક નારાજ સીનીયર અધિકારીએ જણાવ્યુ હતું કે હા અમને એક નોટ મળી છે જેમાં કહેવામાં આવ્યુ છે આંતરરાષ્ટ્રીય મેચો માટે બીસીસીઆઈના મીડીયા હક્કો ઈ- હરરાજી દ્વારા આપવામાં આવશે. જો કે આ પત્રમાં એ ઉલ્લેખ નથી કે અચાનક કેમ આ નિર્ણય કરવામાં આવ્યા છે. જયારે બીસીસીઆઈએ પૂર્વ પ્રક્રિયાથી આઈપીએલ અધિકારો માટે સ્ટાર ઈન્ડિયા પ્રા. લી. સાથે ૧૬,૩૪૭ કરોડ રૂપિયાનો મોટો કરાર કર્યો હતો. પરંપરા મુજબ તેમણે સામાન્ય સભા બોલાવવાની જહેમત ન ઉઠાવી હોવાનું પણ આ સીનીયર અધિકારીએ જણાવ્યુ હતું.

આ ઈ-હરરાજીની જવાબદારી અલગ અલગ સ્પેકટ્રમ સંભાળતા ''એમ જંકશન''ને સોંપવામાં આવી છે. હવે ઈ- હરરાજી માટે ''એમ જંકશન''ને રાખવાની પ્રક્રિયા શું હતી, તેની પણ જાણકારી નથી અને સીઓએને કાંઈ સવાલ પૂછવાનુ પણ પસંદ ન હોવાનું અધિકારીએ ઉમેરેલ.

ભારતમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક મેચો માટે બીસીસીઆઈના પ્રસારણ અધિકાર હાલમાં સ્ટાર સ્પોટ્ર્સ પાસે છે. જે ટેસ્ટ, વન-ડે તથા ટી-૨૦ના પ્રત્યેક મેચ માટે ૪૩.૨ કરોડ રૂપિયા આપે છે. જો કે સ્ટાર સ્પોટ્ર્સે આઈપીએલના પ્રસારણ હક્કો પણ પ્રાપ્ત કરી લીધા છે તો હવે એ જોવાનુ રહેશે કે તે કોઈ પણ વર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છુક છે કે નહિં. જોવાની વાત એ છે કે બીસીસીઆઈ હાલના સમયમાં સૌથી તાકતવર અધિકારીઓ (સીઓએ સિવાય)માંથી એક પણ ઈ-હરરાજીના હક્કમાં નથી.

(3:28 pm IST)