Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ભારતીય ખેલાડીઓ પ્રતિભાવાન પણ વિશ્વસ્તરે વધુ મજબૂત થવાની જરૂરઃ તલવારબાજ ભવાની દેવી

રાયપુરઃ. દેશમાં તલવારબાજીને વિશેષ ઓળખ અપાવનાર ભવાની દેવીનું માનવુ છે કે જો ભારતીયોએ આ રમતમાં આગળ જવું હોય તો તેમણે ટેકનીકની દ્રષ્ટિએ અને માનસિક રીતે વધુ મજબૂત બનવુ પડશે. શુક્રવારે રાયપુર પહોંચેલ દેશની પહેલી મહિલા ઓલમ્પીયન તલવારબાજ ભવાનીદેવીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતીય ખેલાડીઓમાં પ્રતિભાની કમી નથી પણ આપણે વિશ્વસ્તરે વધુ મજબૂત બનવુ પડશે.

તલવારબાજીનો શોખ કેવી રીતે જાગ્યો ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે શાળા વખતથી મને રમત ગમતમાં જવાનુ મન હતુ. એક સ્પર્ધા દરમ્યાન ફકત તલવારબાજીમાં જગ્યા ખાલી હતી એટલે તેને સીલેકટ કરાઈ હતી. શરૂઆતમાં લાકડાની સ્ટીકથી પ્રેકટીસ શરૂ કરી હતી. ૨૦૦૪માં પરિવારની મદદથી ફેન્સીંગનો સેટ ખરીદ્યો હતો જેને હું ખરાબ થઈ જવાના ડરથી ફકત પ્રતિયોગીતા વખતે જ વાપરતી હતી. રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા પછી તલવારથી પ્રેકટીસ કરવાનું શરૂ કર્યુ હતું.

ઓલમ્પીક પછી હવે શું એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ કે ઓકટોબરમાં ફેન્સીંગ વર્લ્ડ કપ થવાનો છે એટલે હવે તેની તૈયારી કરીશ, પછી આવતા વર્ષે કોમનવેલ્થ અને એશીયન ગેમ્સમાં પદક જીતવાનું લક્ષ્ય છે ત્યાર પછી ૨૦૨૪ ઓલમ્પીકની તૈયારીઓ કરીશ.

(12:56 pm IST)