Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઇંગ્‍લેન્‍ડને અહીં નરક જેવુ લાગવુ જોઇએઃ વિરાટ કોહલીના વીડિયોએ સોશ્‍યલ મીડિયામાં તહલકો મચાવ્‍યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્‍ટનની આક્રમક વિચારસરણીના કારણે ઓછા સ્‍કોરમાં ઇંગ્‍લેન્‍ડને ઓલઆઉટ કરી દીધુ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી. આ મેચને ભારતીય ટીમે 151 રનથી જીતી હતી. આ સાથે 5 મેચની સિરીઝમાં હવે ભારતીય ટીમ 1-0 થી આગળ છે. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ પહેલા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેના ખેલાડીઓને એક સ્પીચ આપી હતી, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહી છે.

વિરાટે ખેલાડીઓને આપ્યું જોરદાર ભાષણ

હકીકતમાં, બીજી ઇનિંગમાં બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ રન 60 ઓવરમાં બચાવવાના હતા. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની શરૂઆત પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન પર પોતાના ખેલાડીઓને ભાષણ આપ્યું હતું. કોહલીએ પોતાના ખેલાડીઓને ભાષણ આપતાં કહ્યું કે ઇંગ્લેન્ડને અહીં નરક જેવું લાગવું જોઇએ.

વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં વિરાટે તેના ખેલાડીઓને કહ્યું, '60 ઓવર ઈંગ્લેન્ડને નરક જેવું લાગવું જોઈએ. 'વિરાટ કોહલીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. ગઈકાલથી સોશિયલ મીડિયા પર 60 ઓવર ટ્રેન્ડ કરી રહી છે. વિરાટની આ આક્રમક વિચારસરણીને કારણે ટીમ ઈન્ડિયા 52 ઓવરમાં 112 રનના સ્કોર પર ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરી દીધી હતી.

બોલરોએ પલટાવી મેચ

આ મેચનો હીરો ભારતનો બોલર હતો. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ માત્ર બે સત્રમાં જ સમગ્ર ઈંગ્લિશ ટીમને આઉટ કરી દીધી હતી. ભારત માટે મોહમ્મદ સિરાજે ફરી 4 વિકેટ લીધી હતી. આ સાથે જ જસપ્રિત બુમરાહે 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય ઈશાંત શર્માએ 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી.

(4:25 pm IST)