Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ટોકિયો ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીઓએ જાતે જ મેડલ પહેરી લેવા પડશે

કોરોનાકાળના લીધે નિર્ણય લેવાયોઃ તમામ ૩૩૯ ઈવેન્ટ માટે પરંપરાગત મેડલ સેરેમની યોજવામાં આવશે નહી

નવીદિલ્હીઃ ઓલિમ્પિકસમાં મેડલ જીતવો તમામ રમતવીરોનું જીવનભરનું સ્વપ્ન હોય છે અને તેમાં ય મેડલ જીત્યા બાદ યોજાતા મેડલ એનાયત  સમારંભમાં મહાનુભાવોને હસ્તે મેડલ સ્વિકારવાની તસવીર કે વીડિયો તો રમતવીરો આજીવન સાચવી રાખતા હોય છે પરંતુ આ વખતે આ પ્રકારના દ્રશ્યો જોવા મળશે નહીં કેમ કે આ વખતે વિજેતા ખેલાડીએ જાતે જ પોતાના મેડલ પોતાના ગળામાં પહેરી લેવાના રહેશે. કોરોનાને કારણે આ નિર્ણય લેવાયો છે. ખેલાડીઓને ચેપથી દૂર રાખવા માટે તેમને કોઈના હસ્તે મેડલ એનાયત કરાશે નહીં.ઇન્ટરનેશનલ ઓલિમ્પક કમિટિના પ્રમુખ થોમસ બેકે બુધવારે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ટોકયો ગેમ્સની ૩૩૯ ઇવેન્ટ માટે પરંપરાગત મેડલ સેરેમનીમાં આ વખતે થોડા નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે.

વિજેતા ખેલાડીને તેમના ગળામાં મેડલ પહેરાવવામાં આવશે નહીં. આ પ્રસંગે એથ્લેટને ટ્રેમાં મેડલ એનાયત કરાશે અને તેમણે જાતે જ તે મેડલ પોતાના ગળે પહેરી લેવાનો રહેશે. આ બાબત પણ સુનિશ્ચિત કરાશે કે જે વ્યકિત આ મેડલને ટ્રેમાં મૂકશે તેણે ચેપરહિત ગ્લોવ્ઝ પહેરેલા હશે. આમ એથ્લેટને મળનારા મેડલને અગાઉ કોઈએ સ્પર્શ કર્યો નહીં હોય.

 આ વખતના ઓલિમ્પિકસ અને તાજેતરમાં જ રમાયેલી યુરો કપ ફૂટબોલમાં ઘણો તફાવત રહેલો છે. તાજેતરમાં યુરો કપની ફાઇનલ બાદ તમામ ખેલાડીને યુઈએફએના પ્રમુખ એલેકઝાન્ડર કેફેરીનના હસ્તે મેડલ એનાયત થયા હતા. એ વખતે તમામ ખેલાડીને મેડલ પહેરાવવામાં આવ્યા હતા પરંતુ ટોક્યોમાં આ દ્રશ્યો જોવા મળશે નહીં.

(12:44 pm IST)