Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોહલી ૨૦૧૦ના દાયકાનો વિઝડન શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર

૫૦મી વર્ષગાંઠ પર દરેક દાયકાના પ ક્રિકેટર પસંદ કર્યા : ઇંગ્લેન્ડના સ્ટોક્સ સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ, કોહલીએ દસ વર્ષમાં ૧૧,૦૦૦થી વધુ રન કર્યા

નવી દિલ્હી, તા. ૧૫ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિઝડન અલમૈનાકે ૨૦૧૦ના દાયકાનો સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર પસંદ કર્યો છે, જ્યારે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સને સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો છે. ૩૨ વર્ષીય કોહલીએ ઓગસ્ટ, ૨૦૦૮માં શ્રીલંકા વિરુદ્ધ વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કોહલીએ ૨૫૪ વનડેમાં ૧૨૧૬૯ રન બનાવ્યા છે.

વિઝડને કહ્યું કે, પહેલાં વનડેની ૫૦મી વર્ષગાંઠ પર દરેક દશકના પાંચ વનડે ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે. પોતાની વેબસાઇટ પર કહ્યું કે, ૧૯૭૧થી ૨૦૨૧ વચ્ચે દરેક દાયકા માટે એક સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. કોહલીને ૨૦૧૦ના દશક માટે પસંદ કરવામાં આવ્યો છે. કોહલીએ દસ વર્ષમાં ૧૧,૦૦૦થી વધુ રન કર્યા, જેમાં ૪૨ સદી સામેલ છે.

સચિન તેંડુલકરને ૯૦ના દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. તેંડુલકરે ૧૯૯૮માં ૯ વનડે સદી ફટકારી હતી. જ્યારે ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને ૮૦ના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સ્ટોક્સને સતત બીજી વખત વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે ૫૮ મેચમાં ૬૪૧ ટેસ્ટ રન કર્યા, જ્યારે ૧૯ વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીને સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વેસ્ટઇન્ડિઝના કીરોન પોલાર્ડને સર્વશ્રેષ્ઠ ટી૨૦ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો.

(9:12 pm IST)