Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વિન્ડીઝે ઈતિહાસ રચ્યો : ઈંગ્લેન્ડને હરાવ્યુ

ઈંગ્લેન્ડે આપેલો ૨૦૦ રનનો લક્ષ્યાંક ૬ વિકેટે પાર પાડી લીધો : ટેસ્ટ સીરીઝમાં ૧-૦ની લીડઃ બીજી ઈનિંગમાં બ્લેકવૂડના શાનદાર ૯૫ રન : હવે ૧૬મીથી ઓલ્ડટ્રેફર્ડમાં બીજો ટેસ્ટ

સાઉથૈમ્પટનઃ ફટાફટ ક્રિકેટ એટલે કે ટી૨૦ની માહિર વેસ્ટઈન્ડિઝ ટીમે વનડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ચોંકાવતા પ્રથમ ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી છે. કોરોના વાયરસને કારણે ૧૧૭ દિવસ બાદ ક્રિકેટની વાપસી થઈ હતી અને મહેમાન ટીમે યજમાન ટીમને ચાર વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે ક્રિકેટના નવા અધ્યાયની જીત તેના નામે થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે તેને ૨૦૦ રનનો લક્ષ્ય આપ્યો હતો, જેને તેણે ૬૪.૨ ઓવરોમાં ૬ વિકેટના નુકસાન પર ૨૦૦ રન બનાવીને હાસિલ કરી લીધો હતો. બંન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ૧૬ જુલાઈથી ઓલ્ડ ટ્રેફર્ડમાં જૈવિક વાતાવરણમાં રમાશે.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે બ્લેકવુડે સૌથી વધુ ૧૫૪ બોલમાં ૧૨ ચોગ્ગાની મદદથી ૯૫ રન બનાવ્યા, જયારે રોસ્ટન ચેઝના નામે ૮૮ બોલમાં ૩૭ રન રહ્યાં હતા. જેસન હોલ્ડરે અણનમ ૧૪ અને ડોવરિચે અણનમ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી, જયારે કેપ્ટન સ્ટોકસના ખાતામાં બે વિકેટ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૦૪ રન બનાવ્યા હતા, જયારે બીજી ઈનિંગમાં ૩૧૩ રન. બીજીતરફ વિન્ડીઝે પ્રથમ ઈનિંગમાં ૩૧૮ રન બનાવ્યા અને તેને ૨૦૦ રનનો લક્ષ્ય મળ્યો હતો.

૨૦૦ રનના આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમની શરૂઆત જોફ્રા આર્ચરે ખરાબ કરી દીધી હતી. આર્ચરે સવારના સેશનમાં ક્રેગ બ્રેથવેટ (ચાર) અને સમર બ્રૂકસ (૦)ને પેવેલિયન મોકલી આપ્યા જયારે માર્ક વુડે શાઈ હોપ (૯)ને આઉટ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલી તે માટે પણ વધી કારણ કે ઓપનિંગ બેટ્સમેન જોન કેંપબેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આર્ચરનો યોર્કર તેના પગ પર લાગ્યો અને તેણે મેદાન છોડવુ પડ્યું હતું.

આર્ચર અને જેમ્સ એન્ડરસને શરૂઆતથી ઘાતક બોલિંગ કરતા વિન્ડીઝના બેટ્સમેનોને મુશ્કેલીમાં રાખ્યા હતા. બારબાડોસમાં જન્મેલા ફાસ્ટ બોલર આર્ચરે છઠ્ઠી ઓવરમાં ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી જયારે બ્રેથવેટ બોલ્ડ થયો હતો. આર્ચરે બ્રૂકસને ત્યારબાદની ઓવરમાં LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ વુડે હોપને બોલ્ડ કરી દીધો હતો.

(12:57 pm IST)