Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

વિન્ટર ઓલમ્પિકની લુંગ ઇવેન્ટમાં શિવા કેશવન 34માં ક્રમે

નવી દિલ્હી: વિન્ટર ઓલિમ્પિકમાં ભારતનો લેજન્ડરી ખેલાડી શિવા કેશવન કારકિર્દીના આખરી ઓલિમ્પિકમાં તેની મેન્સ સિંગલ્સ લુગ ઈવેન્ટમાં ૩૪માં ક્રમે રહ્યો હતો. આ ઈવેન્ટમાં કુલ મળીને ૪૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં શિવાને ૩૪મું સ્થાન મળ્યું હતુ. જ્યારે ઓસ્ટ્રીયાના ડેવિડ ગ્લેઈર્ચેરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અમેરિકાના ક્રિસ મેઝડ્ઝેરને સિલ્વર અને જર્મનીના જોહાન્નેસ લુગવિગને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.  આઇસના બનેલા ટ્રેક પર લુગ (એક પ્રકારની ફઈબરથી બનેલી સ્લેજ)ને ખેલાડીએ જોરથી ધકેલવાની હોય છે અને ત્યાર બાદ કુદકો લગાવીને તેના પર બેસી જવાનું હોય છે. ખેલાડીએ લુગને પગથી નિયંત્રિત કરવાની હોય છે. દરેક ખેલાડીને ચાર તક મળે છે,જેમાં ઓછા સમયમાં રેસ પુરી કરનાર ખેલાડીને વિજેતા જાહેર કરવામાં આવે છે. લુગમાં પહેલા ૪૦ ખેલાડીઓને ત્રણ તક આપવામાં આવે છે અને શિવા કેશવને તેને મળેલી તકમાં ઓવરઓલ બે મિનિટ અને ૨૮.૧૮૮ સેકન્ડનો સમય આપ્યો હતો. તમામ હરિફોને મળેલી ત્રણ તકો બાદ જર્મનીનો ફેલિક્સ લોચ (બે મિનિટ અને ૨૨.૮૫૯ સેકન્ડ) ટોચના ક્રમે રહ્યો હતો. જ્યારે શિવા કેશવન અને લોચના સમયમાં ૫.૩૨૯ સેકન્ડનું અંતર હતુ. ટોચના ૨૦ લુગર્સને જ ચોથી વખત તક આપવામાં આવે છે.

 

 

(4:23 pm IST)