Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સાયના ઈજાગ્રસ્ત થતા ખસી ગઈ છતાં ભારતની મહિલા બેડમિંટન ટીમે ૩-૨થી સ્પેનને હરાવ્યું

હવે ભારત ૧૨મીએ સ્કોટલેન્ડ સામે બીજી ગ્રુપ મેચ રમાશે.

આરહસ  :સાયના નેહવાલને કાર્લા એઝુરમેન્ડી સામેની મેચમાં ઈજા થતા તે ખસી ગઈ હોવા છતાં ભારતની મહિલા બેડમિંટન ટીમે લડાયક દેખાવ કરતાં સ્પેન સામેની ઉબેર કપની ફાઈનલ્સ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ૩-૨થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમને ગૂ્રપ-બીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે ભારત ૧૨મીએ સ્કોટલેન્ડ સામે બીજી ગૂ્રપ મેચ રમાશે.

લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાયના નેહવાલને ભારતે સ્પેન સામેના મુકાબલાની પ્રથમ સિંગલ્સમાં ઉતારી હતી. જોકે કાર્લા એઝુરમેન્ડી સામે પ્રથમ ગેમમાં ૨૦-૨૨થી પાછળ રહેલી સાયનાને ઈજાના કારણે મેદાન છોડવું પડયું હતુ. સાયના ખસી જતાં તે મેચમાં ભારતને હારેલુ જાહેર કરવામાં આવ્યું હતુ.

જોકે માલવિકા બાંસોદે ૨૧-૧૩, ૨૧-૧૫થી સ્પેનની બેટ્રિઝ કોરાલેસને મહાત કરતાં ભારતને બરોબરી અપાવી હતી. તનિષા કાસ્ટ્રો અને ઋતુપર્ણા પાન્ડાની જોડીએ ૨૧-૧૦, ૨૧-૮થી સ્પેનની પાઉલા લોપેઝ અને લોરેના ઉસ્લેની જોડીને હરાવીને ભારતને ૨-૧થી સરસાઈ અપાવી હતી. અદિતી ભટ્ટે ૨૧-૧૬, ૨૧-૧૪થી અનિયા સેટિનને હરાવીને ભારતને ૩-૧થી અજેય સરસાઈ અપાવી હતી.

જો કે આખરી ડબલ્સ મેચમાં અશ્વિની પોનપ્પા અને એસ. સિક્કી રેડ્ડીની જોડીનો કાર્લા એઝુરમેન્ડી અને બેટ્રિઝ કોરાલેસ સામે ૧૮-૨૧, ૨૧-૧૪, ૧૭-૨૧થી સંઘર્ષમય પરાજય થયો હતો.

(11:42 pm IST)