Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ઈંગ્લેન્ડે કેપ્ટન રૃટની આગેવાની હેઠળની એશિઝ માટેની ટીમની જાહેરાત કરી

ઈજાગ્રસ્ત આર્ચર, સ્ટોન અને સેમ કરનને ટીમમાં સ્થાન નહીં :એન્ડરસન, બેરસ્ટો, બટલર, બ્રોડ સહિતના ટોચના સ્ટાર્સનો ટીમમાં સમાવેશ

લંડન : ઈંગ્લેન્ડે કેપ્ટન રૃટની આગેવાની હેઠળની એશિઝ માટેની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કારણે ક્વોરન્ટાઈનના અત્યંત કડક નિયમો અમલમાં છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમના ટોચના સ્ટાર્સ ખસી જાય તેવો ભય સેવાતો હતો. જોકે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન બોર્ડને કરેલી વિનંતીના પગલે ઓસ્ટ્રેલિયાએ તેના નિયમોમાં છૂટછાટ આપવાની અંદરખાને તૈયારી બતાવી હોવાનું મનાય છે. જેના કારણે ઈંગ્લેન્ડના તમામ સ્ટાર્સ એશિઝ પ્રવાસ માટે તૈયાર થઈ ગયા છે.

ચાલુ વર્ષે ડિસેમ્બરમાં ૮મી તારીખથી પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીનો પ્રારંભ થશે. ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેનારા સ્ટોક્સની સાથે ઈજાગ્રસ્ત આર્ચર, સ્ટોન અને સેમ કરનને ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે એન્ડરસન, બેરસ્ટો, બટલર, બ્રોડ સહિતના ટોચના સ્ટાર્સે ટીમમાં સ્થાન મેળવ્યું છે.

ઈંગ્લેન્ડે એશિઝ માટેની ટીમમાં તમામ અનુભવી ખેલાડીઓને સામેલ કર્યા છે. એક પણ અનકેપ્ડ પ્લેરને તક અપાઈ નથી. લંકાશાયરના સ્ટાર લિએમ લિવિંગસ્ટન, મેટ્ટ પાર્કિન્સન અને સાકિબ મોહમ્મદને ટીમમાં તક મળી શકી નથી. જોકે તેમને ઈંગ્લિશ લાયન્સ ટીમમાં તક મળી શકે છે. યુવા ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને ટીમમાં સ્થાન મેળવ્યું છે. જે ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી શકે છે. હેડકોચ અને ચીફ સિલેક્ટર ક્રિસ સિલ્વરવૂડે કહ્યું કે, તમામ ટોચના ખેલાડીઓ પ્રવાસ માટે કમિટેડ હોવાથી હું ખુબ જ ખુશ છું.

(7:17 pm IST)