Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ટી-૨૦ વિશ્વકપની પ્રાઇઝ મનીની ICCએ કરી જાહેરાત

વિજેતા ટીમને ટ્રોફી સાથે ૧૨ કરોડ રૂપિયા મળશે : ટૂર્નામેન્ટ જીતનારી ટીમને ૧.૬ મિલિયન અને રનરઅપ રહેનારી ટીમને ૮ લાખ ડોલર (લગભગ ૬ કરોડ) મળશે

દુબઈ,  તા.૧૦ : ૧૭ ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનની ધરતી પર શરૂ થઈ રહેલ ટી૨૦ વિશ્વકપનીની પ્રાઇઝ મનીની આઈસીસીએ જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટ જીતનારી ટીમને ૧.૬ મિલિયન (લગભગ ૧૨ કરોડ) અને રનરઅપ રહેનારી ટીમને ૮ લાખ ડોલર (લગભગ ૬ કરોડ) રૂપિયા મળશે. એટલે કે પાંચ વર્ષ બાદ રમાનારી આ ટૂર્નામેન્ટમાં ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની સામે થવાનો છે અને ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ૧૪ નવેમ્બરે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

તો ટી૨૦ વિશ્વકપમાં સેમિફાઇનલ સુધીની સફર કરનારી ટીમને લગભગ ૩ કરોડ રૂપિયા મળશે. આ સાથે આઈસીસી સુપર ૧૨ સ્ટેજમાં દરેક મુકાબલો જીતવા પર ટીમને બોનસ મળવાનું પણ જારી રહેશે.

ભારત વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ ૨૪ ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ ટીમ ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને ૩ નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ ૨૦૦૭માં આ ટ્રોફી પર કબજો કર્યો હતો અને ૨૦૧૪માં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે વિશ્વકપમાં કુલ ૨૦ ટીમ ભાગ લઈ રહી છે.

ભારત આ વખતે ટી૨૦ વિશ્વકપની યજમાની કરી રહ્યુ છે અને વિરાટની આગેવાનીમાં ટીમ ટાઇટલની પ્રબળ દાવેદાર છે. પસંદગીકારોએ આ વખતે અનુભવી ખેલાડીઓની સાથે-સાથે યુવા ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કર્યા છે. તો શિખર ધવન અને ચહલને ટીમથી બહાર રાખવામાં આવ્યા છે. ૨૦૧૬માં રમાયેલ છેલ્લા ટી૨૦ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચેમ્પિયન બની હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આગામી ટી૨૦ વિશ્વકપને લઈને મોટો નિર્ણય કર્યો છે. યૂએઈ અને ઓમાનમાં રમાનાર મેન્સ ટી૨૦ વિશ્વકપમાં પ્રથમવાર ડીઆરએસનો ઉપયોગ થશે. આઈસીસીએ ટૂર્નામેન્ટમાં તેના ઉપયોગને મંજૂરી આપી છે. આ વખતે દરેક ટીમને એક ઈનિંગમાં બે ડ્ઢઇજી મળશે. મહત્વનું છે કે આઈસીસી ઈવેન્ટમાં પ્રથમવાર ડીઆરએસનો ઉપયોગ ૨૦૧૮માં કરવામાં આવ્યો હતો. ત્યારે વિન્ડિઝમાં રમાયેલ મહિલા ટી૨૦ વિશ્વકપમાં ડ્ઢઇજી નો ઉપયોગ થયો હતો.

(7:01 pm IST)