Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભારતીય ટીમના તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટીવઃ અંતિમ ટેસ્ટ રમાશે જ

ગ્રેજોની નફટાઈ, BCCIને કહ્યું તમારા કેમ્પમાં કોરોનાના કેસો હોય સિરીઝ ફોરફિટ એટલે કે ૨-૨થી ડ્રો કરી નાંખો

જો કે બીસીસીઆઈએ ચોખ્ખીના પાડી દીધીઃ આપણા ક્રિકેટરોએ પણ મેચ રમવાની પૂરતી તૈયારી દર્શાવી

માંચેસ્ટર, તા.૯:  કોચ રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાની ખુબ નજીક સંપર્ક ધરાવતા આસીસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમારનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવતા ભારે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતુ. જોકે, ભારતના તમામ ક્રિકેટરોનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતાં બીસીસીઆઇએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતીય ક્રિકેટરોનો રિપોર્ટ નેગેટિવ આવતા હાંશકારો થયો છે. અંતિમ ટેસ્ટ રમાશે.

અલબત્ત, ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે (ઈસીબી)આ અંગે મોડી રાત સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત ન કરતાં ભારતીય ક્રિકેટ વર્તુળોને તો ટેસ્ટ મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધશે તે નક્કી જ લાગતું હતુ. ઈસીબીના મૌનને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં અનિશ્ચિતતા પણ પ્રવર્તતી જોવા મળી હતી.

ટેસ્ટ મેચ અંગે મોડી રાત સુધી ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ વચ્ચે વાટાઘાટોનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરવાની સાથે આગળની વ્યુહરચના અંગે ચર્ચા થઈ હતી.

અગાઉ ભારતીય કેમ્પમાં કોરોના વધતાં પાંચમી અને આખરી તેમજ નિર્ણાયક ટેસ્ટ મેચ ન રમાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈંગ્લેન્ડ હાલ શ્રેણીમાં ૧-૨થી પાછળ છે અને જો આખરી ટેસ્ટ ન રમાય તો તેઓ શ્રેણી હારી જાય તેમ છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈંગ્લેન્ડ બોર્ડે બીસીસીઆઇએ જણાવ્યું હતુ કે, તમારા કેમ્પમાં કોરોનાના કેસો હોવાથી તમે આખરી ટેસ્ટ ફોરફિટ કરી દો. એટલે શ્રેણી ૨-૨થી ડ્રો થઈ જાય. જોકે બીસીસીઆઇએ આ માગનો સ્વીકાર કર્યો નહતો. ભારતીય ક્રિકેટરોએ તો ટેસ્ટ મેચ રમવાની તૈયારી બતાવી હતી.

(1:15 pm IST)