Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગોલ્ફમાં અદિતિ અશોકનું શાનદાર પ્રદર્શનઃ ગોલ્ડ જીતવાની તક

અદિતિ હાલ બીજા સ્થાને, જો કાલે ખરાબ હવામાનના લીધે ચોથો અને ફાઇનલ રાઉન્ડ ન રમાય તો સિલ્વર મળી શકે અને અંતિમ રાઉન્ડ રમાશે તો ગોલ્ડ મેડલની જીતવાની પ્રબળ દાવેદાર

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી શકે છે. સ્ટાર ગોલ્ફર અદિતિ અશોક એ શાનદાર પ્રદર્શન કરીને મેડલની આશા જગાવી દીધી છે. અદિતિ મહિલાઓની વ્યકિતગત સ્ટ્રોક પ્લેના ત્રીજા સ્થાન બાદ બીજા સ્થાન પર છે.

અદિતિની પાસે ગોલ્ડ મેડલ જીતવાનો શ્રેષ્ઠ મોકો છે. જો ખરાબ હવામાનના લીધે શનિવાર એટલે કે ૭ ઓગસ્ટના રોજ ચોથો અને ફાઇનલ રાઉન્ડ થતો નથી તો અદિતિને સિલ્વર મેડલ મળી શકે છે. અને જો ફાઇનલ રાઉન્ડ પૂરો થાય છે તો તે ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર હશે.

અદિતિ મેડલ જીતી જાય છે તો ભારતીય ગોલ્ફ માટે ઐતિહાસિક ક્ષણ હશે. ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ગોલ્ફમાં મેડલ જીત્યો નથી. પાંચ વર્ષ પહેલાં સુધી અદિતિ અશોક ગોલ્ફના દિગ્ગજોની વચ્ચે સમય પસાર કરતાં દેખાતી હતી. રિયો ઓલિમ્પિક-૨૦૧૬માં તે મહિલા ગોલ્ફ -તિયોગિતામાં સૌથી નાની ઉંમરની પ્રતિસ્પર્ધી હતી. હવે સમય બદલાઇ ચૂકયો છે અને તે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તરફ છે.

અદિતિએ કહ્યું કે રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવાથી મને અનુભવ મળ્યો. ઓલિમ્પિક વિલેજમાં રહેવાનું અને એથલીટોને જોવાનો શાનદાર અનુભવ હતો. આ ઓલિમ્પિકમાં મને લાગે છે કે હું સારું ફિનિશ કરીશ. હું મેડલ જીતવાની કોશિશ કરીશ.

 શુક્રવારના રોજ ત્રીજા રાઉન્ડમાં કોર્ડાએ ૬૯નું કાર્ડ રમી અને ટોપ પર પોતાની પોઝિશન કાયમ રાખી. અદિતિએ ત્રીજા રાઉન્ડમાં ૬૮નું કાર્ડ રમી અને આ દરમ્યાન તેએ બીજું સ્થાન બનાવી રાખ્યું છે.

(3:56 pm IST)