Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

પ્રથમ ટેસ્ટ બાદ બીજી ટેસ્ટમાં પણ વિરાટ ન કરી શક્યો કમાલ

વિરાટ કોહલી રચિનના બોલ પર આઉટ થતાં ચોંકી ઉઠ્યો : રચિન રવીન્દ્રનો એક બોલ વિરાટ કોહીલના બેટના બહારના કિનારે વાગીને સ્ટમ્પ્સ સાથે ટકરાઈ ગયો હતો

મુંબઈ, તા.૫ : વર્લ્ડ ટી૨૦ બાદ વિરાટ કોહલી પોતાની પહેલી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની સામે મુંબઈ ટેસ્ટની બંને ઈનિંગ્સથી તે ખુબ જ નિરાશ હશે. બંને વખતે તેને સારો મોકો મળ્યો હતો, શરૂઆત પણ સારી કરી હતી, પણ તે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ નીવડ્યો. પહેલી ઈનિંગ્સમાં અમ્પાયરની ભૂલને કારણે આઉટ થવાનુ સમજી શકાય છે, પણ બીજી ઈનિંગ્સમાં તે ખુબ જ ગંદી રીતે આઉટ થયો હતો. ટેસ્ટ મેચના ત્રીજા દિવસની શરૂઆત વિકેટ ઝડપથી પડી ગયા બાદ કેપ્ટન કોહલી મેદાન પર આવ્યો હતો. પણ પિચ બેટિંગ માટે એટલી સરળ ન હતી. ખાસ કરીને સ્પિનર્સની સામે રમવું મુશ્કેલ હતું. તેવામાં વિરાટ સંઘર્ષ કરતાં જોવા મળ્યો હતો. અનેક સારા બોલ પર તે શોટ રમી શક્યો ન હતો. પણ રચિન રવીન્દ્રનો એક બોલ તેના બેટના બહારના કિનારે વાગીને સ્ટમ્પ્સ સાથે ટકરાઈ ગયો હતો.

ટર્નિંગ ટ્રેક પર અસામાન્ય ઉછાળ પણ છે, જેનો પૂરેપૂરો લાભ ધીમી ઝડપના બોલર્સ ઉઠાવી રહ્યા છે. રચિનની આર્મ બોલને કટ મારવાના ચક્કરમાં બોલ બેટથી ટકરાઈને સ્ટમ્પ્સ પર વાગ્યો હતો. રચિનની આ બીજી વિકેટ હતી, તેવામાં તેનું ખુશ થવું સ્વાભાવિક હતું. પણ કોહલી જે રીતે આઉટ થયો તેને જોઈને ચોંકી ઉઠ્યો હતો. તેને સહેજપણ આશા ન હતી કે આ રીતે આઉટ થઈ શકે છે. પહેલાં તો અમુક સેકન્ડ સુધી તે ક્રિઝ પર જ ઉભો રહ્યો હતો અને બાદમાં થોડું હસીને પેવેલિયન પરત ફર્યો હતો.

મુંબઈ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ્સ સાત વિકેટના નુકસાન પર ૨૭૬ રનો પર સમાપ્ત કરવામાં આવી હતી આ રીતે ન્યૂઝીલેન્ડની સામે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ જીતવા માટે ૫૪૦ રનોનો મુશ્કેલ લક્ષ્ય હતો. ભારતે પહેલી ઈનિંગ્સમાં ૩૨૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૬૨ રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં મયંક અગ્રવાલે ૬૨ રન, ચેતેશ્વર પુજારાએ ૪૭ રન, શુભમન ગિલે ૪૭ રન, અક્ષર પટેલે અણનમ ૪૧ રન બનાવ્ય હતા. અને કેપ્ટન વિરાટ કોહલીએ ૩૬ રનોનું યોગદાન આપ્યું હતું.

(9:01 pm IST)