Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

તેજનારાયણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૮૪ રન બનાવ્યા

શિવનારાયણ ચંદ્રપોલના પુત્રનો શાનદાર દેખાવ : તેજનારાયણે વેસ્ટઈન્ડિઝ ૪ દિવસીય ચેમ્પિયનશિપમાં જમૈકા વિરુદ્ધ મેચમાં ગુયાના તરફથી શાનદાર ઈનિંગ રમી

નવી દિલ્હી, તા.૩ : શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેજનારાયણ ચંદ્રપોલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની બેટિંગનુ લોખંડી પ્રદર્શન કરી રહ્યા છે. તેમના પિતાની જેમ તેજનારાયણ ચંદ્રપોલ પણ ક્રીજ પર જોરદાર બેટિંગ કરવા ટેવાયેલા છે. હવે તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એવી કમાલ કરી છે જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જોકે તેજનારાયણ પણ પોતાના પિતાની જેમ ડાબા હાથના બેટ્સમેન છે અને તે સ્ટાઈલમાં બેટિંગ કરે છે જે સ્ટાઈલમાં પિતા શિવનારાયણ ચંદ્રપોલ બેટિંગ કરતા હતા.

તેજનારાયણે વેસ્ટઈન્ડિઝ ૪ દિવસીય ચેમ્પિયનશિપમાં જમૈકા વિરુદ્ધ મેચમાં ગુયાના તરફથી રમતા શાનદાર સદી ઈનિંગ રમી છે જેના ખૂબ વખાણ સોશ્યલ મીડિયા પર થઈ રહ્યા છે.

૨૫ મે થી ૨૮ મે વચ્ચે રમાયેલી આ મેચમાં તેજનારાયણ ચંદ્રપોલે ગુયાનાની પહેલી ઈનિંગમાં ૪૨૫ બોલ પર ૧૮૪ રનની ઈનિંગ રમી જેમાં ૨૭ ચોગ્ગા ફટકાર્યા. તેજનારાયણની ઈનિંગમાં સૌથી ખાસ વાત એ રહી કે તેમણે ૫૬૭ મિનિટ સુધી ક્રીજ પર બેટિંગ કરી. શિવનારાયણ ચંદ્રપોલના દિકરાના દમ પર જ ગુયાનાની ટીમ પહેલી ઈનિંગમાં ૭ વિકેટ પર ૫૮૪ રન બનાવવામાં સફળ રહ્યા હતા. જોકે આ મેચ ડ્રો રહી પરંતુ તેજ નારાયણની મેરાથન ઈનિંગ ક્રિકેટ પંડિતોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહી. જમૈકાએ પહેલી ઈનિંગમાં ૩૯૩ અને બીજી ઈનિંગમાં ૨૭૧ રન ૬ વિકેટ પર બનવ્યા.

તેજનારાયણે આ ટુર્નામેન્ટમાં બારબાડોસ સામે પણ રમેલી મેચમાં ૧૪૦ રનની ઈનિંગ રમી હતી. શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર સતત ઘરેલુ ક્રિકેટમાં રન બનાવી રહ્યા છે. એવામાં આશા કરવામાં આવી રહી છે કે જલ્દી જ તેજનારાયણ વેસ્ટઈન્ડિઝની ટેસ્ટ ટીમનો ભાગ પણ બની જશે.

તેજનારાયણ ચંદ્રપોલે અત્યાર સુધી પોતાના ઘરેલૂ કરિયરમાં ૪૭ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં ૨૪૮૬ રન બનાવી દીધા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે ૪ સદી અને ૧૦ અડધીસદી સામેલ છે.

 

 

(7:58 pm IST)