Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભારત-પાક.ના ક્રિકેટર્સ એક-બીજાની સામે રમવા માગે છે

પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર રિઝવાનનું નિવેદન : છેલ્લે ભારત અને પાક વચ્ચે ૨૦૧૩માં સિરિઝ રમાઈ હતી અને તે વખતે પાક ટીમ ભારતના પ્રવાસે આવી હતી

નવી દિલ્હી, તા.૩ : પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર મહોમ્મદ રિઝવાનનુ કહેવુ છે કે, ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો એક બીજા સામે રમવા માંગે છે પણ રાજકીય કારણસર બંને દેશ વચ્ચે ક્રિકેટ રમાઈ રહ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લે ભારત અને પાક વચ્ચે ૨૦૧૩માં સિરિઝ રમાઈ હતી અને તે વખતે પાક ટીમ ભારતના પ્રવાસે આવી હતી. બંને દેશો માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ હાલ તો એક બીજા સામે રમી રહ્યા છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે છેલ્લે ૨૦૦૫-૦૬માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. એ પછી ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી નથી.

દરમિયાન રિઝવાને કહ્યુ હતુ કે, મેં કાઉન્ટી ક્રિકેટમાં પૂજારા પાસેથી ઘણી વાતો શીખી છે. પૂજારા બહુ સારો વ્યક્તિ છે અને તેની ધ્યાન કેન્દ્રીય કરવાની ક્ષમતા યુનુસ ખાન અને ફવાદ આલમ જેવી જ છે. રિઝવાને કહ્યુ હતુ કે, ક્રિકેટરો તરીકે બંને દેશના ખેલાડીઓ સરખા જ છે અને ક્રિકેટના એક જ પરિવારમાંથી બંને દેશના ખેલાડીઓ આવે છે.

(7:58 pm IST)