Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભારતીય મહિલા ચેસ ટીમ વર્લ્ડ વિમેન્સ ટીમ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી

ભારતીય મહિલા ટીમે જ્યોર્જીયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી દીધો

મુંબઈ :  ભારતીય મહિલા ચેસ ટીમે સ્પેનમાં ચાલી રહેલી વર્લ્ડ વિમેન્સ ટીમ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશીને સિલ્વર મેડલ નિશ્ચિત કરી લીધો છે. ભારતે સેમિ ફાઈનલમાં ખરાખરીના મુકાબલા બાદ જ્યોર્જીયાને હરાવીને ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતુ. હવે ભારતનો મુકાબલો રશિયા સામે થશે. જેણે બીજી સેમિ ફાઈનલમાં યુક્રેનની સામે જીત હાંસલ કરી હતી.

સ્પેનના સિટ્ગાસમાં ચાલી રહેલી વર્લ્ડ વિમેન્સ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પ્રવેશેલી ભારતીય ટીમમાં હરિકા દ્રોણાવલી, વૈશાલી આર., તાન્યા સચદેવ, કુલકર્ણી ભક્તિ અને મેરી એન્ન ગોમ્સનો સમાવેશ થાય છે. ભારતે ક્વાર્ટર ફાઈનલમાં કઝાખ્સ્તાનને હરાવીને આગેકૂચ કરી હતી.

સેમિ ફાઈનલમાં ભારત અને જ્યોર્જીયા વચ્ચેનો પ્રથમ રાઉન્ડનો મુકાબલો ૨-૨થી ટાઈમાં પરિણમ્યો હતો. જોકે બીજા રાઉન્ડમાં ભારતની મહિલા ટીમે શાનદાર દેખાવ કરતાં ૨.૫-૧.૫થી જ્યોર્જીયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતના નોન પ્લેઈંગ કેપ્ટનન તરીકે અભિજીત કુન્તે છે.

(11:36 pm IST)