Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ભાવનગર આરોગ્ય તંત્રએ રાત્રિ રસીકરણની કામગીરી હાથ ધરવા માટે ભુવાની મદદ લીધી

જિલ્લાના આંબલા, અમરગઢ, વાવ, સેદરડા ગામોમાં રાત્રિ સેશન રાખીને ઘેર-ઘેર ફરીને માતાજીનાં ભૂવાનાં સહકારથી રસી વિશે લોકોને તેમની ભાષામાં સમજણ અપાઈ

ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.ઓ.અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરોનાં માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાનો આરોગ્ય સ્ટાફ રાત-દિવસ લોક સહયોગથી 100 ટકા રસીકરણ થાય તે માટે અથાગ મહેનત કરી રહ્યો છે.

સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સોનગઢમાં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશમાં અમુક ગામમાં, અમુક સમાજનાં લોકો રસી લેતાં નથી તેવું ધ્યાનમાં આવતાં ચોક્કસ સમાજનાં લોકોને શું સમય અનુકૂળ છે? તેમનાં મનમાં રસી વિશે શું માન્યતા છે? તેની જાણકારી મેળવી હતી. આ ઝૂંબેશમાં જણાયું કે, દેવીપુજક સમાજ રસી લેવા માટે આનાકાની કરે છે. રસી લેવા માટે દિવસે સમય અનુકૂળ નથી તેમ જણાયું હતું. આથી જિલ્લા આરોગ્ય તંત્રએ દેવીપૂજક સમાજને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાં માટે રાત્રિ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ જિલ્લાના આંબલા, અમરગઢ, વાવ, સેદરડા ગામોમાં રાત્રિ સેશન રાખીને ઘેર-ઘેર ફરીને માતાજીનાં ભૂવાનાં સહકારથી રસી વિશે લોકોને તેમની ભાષામાં સમજણ અપાઈ હતી.

આ કાર્યને સફળ બનાવવાં માટે આંબલા ગામમાં દેવીપૂજક વાસમાં (દશામાંના ભૂવા) ભૂવા દિલીપભાઈ પરમાર, અમરગઢ ભાથીજી દાદાનાં ભૂવા નાગજીભાઈ, દેવીપૂજક આગેવાનો બુધાભાઈ સાજણભાઇ, લાખાભાઈ સાજણભાઈ તથા આંબલા, અમરગઢ, વાવ, સેદરડાનાં સરપંચશ્રીઓ, ગ્રામપંચાયતનાં સભ્યોનો સહયોગ મળ્યો હતો અને આંબલા-73, અમરગઢ-81, વાવ-26, સેદરડા-26 લાભાર્થીને આવરી લેવામાં આવ્યાં હતાં.

(11:47 pm IST)