Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીમાં જન્માષ્ટમી મહોત્સવ નિમિતે શોભાયાત્રા યોજાઈ, મયુરનગરી ગોકુળિયું ગામ બન્યું

હિન્દુવાદી સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ મંજુરી ના હોવાથી મટકીફોડ કાર્યક્રમો મોકૂફ રહ્યા:તહેવારોમાં ફરવા માટે લોકો નીકળી પડ્યા: મેઘરાજાએ અમી છાંટણા વરસાવ્યા

મોરબીના જન્માષ્ટમી પર્વ નિમિતે સરકારી ગાઈડલાઈન અનુસાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે મંજુરી ના હોવાથી મટકીફોડ કાર્યક્રમો યોજવામાં આવ્યા ના હતા અને શોભાયાત્રાનો રૂટ પણ ટૂંકાવવામાં આવ્યો હતો
મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા નગરને ગોકુળિયા ગામના શણગાર કરવામાં આવ્યા હતા નગરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ધજા-પતાકાનો શણગાર કરવામાં આવ્યો હતો તો પરંપરા મુજબ સ્ટેશન રોડ ખાતેથી શોભાયાત્રા યોજાઈ હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જોકે સરકારી ગાઈડલાઈન અને કોરોના મહામારીને ધ્યાને લઈને શોભાયાત્રા રૂટ ટૂંકો રાખવામાં આવ્યો હતો તો મંજુરી ના હોવાથી મટકીફોડ કાર્યક્રમો પણ યોજાયા ના હતા.
તહેવારોમાં ફરવા માટે લોકો નીકળી પડ્યા
કોરોના મહામારીને પગલે મેળાના આયોજન રદ કરવામાં આવ્યા હતા જોકે ઉત્સવ પ્રિય મોરબીની જનતા તહેવારોની રજાની મજા માણવા નીકળી પડ્યા હતા શહેરના મયુર પુલ, ઝુલતા પુલ અને બાગ બગીચાઓ લોકોથી ભરાઈ ગયા હતા સૌ કોઈ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે નીકળી ગયા હતા અને મેળો ના હોવા છતાં લોકોએ ફરવાનો આનંદ માણ્યો હતો
મેઘરાજાએ અમી છાંટણા વરસાવ્યા
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવ્યા હતા મોરબી, હળવદ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો અને મેઘરાજાએ પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કર્યા હતા જોકે મેઘરાજા મનમુકીને વરસે તેવી આજીજી ખેડૂતો કરી રહ્યા છે

(11:17 pm IST)