Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જેતપુરના વેપારી વિનોદ ગુરનાણી સાથે ઓનલાઇન રૂ.૧.૧૬ લાખની ઠગાઇ

મોબાઇલ ફોનની કેશબેક ઓફર માટે ફેસબૂક પેજમાં આપેલા નંબર પર ફોન કર્યો ને ગઠીયાની ‘જાળ’માં ફસાયા

રાજકોટઃ ઓનલાઇન ફ્રોડના કિસ્સા અવાર નવાર સામે આવતાં રહે છે. નીતનવા નુસ્ખા અજમાવીને ગઠીયાઓ ઓનલાઇન છેતરપીંડી કરતાં રહે છે. વધુ એક આવા કિસ્સામાં જેતપુર ચક્કીવાળી શેરીમાં લાદી રોડ પર રહેતાં સિંધી વેપારી યુવાન વિનોદ સુરેશભાઇ ગુરનાણી (ઉ.વ.૩૬) સાથે છેતરપીંડી થઇ જતાં તેણે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં બજાજ ફિનસર્વ કંપનીના નામે મોબાઇલ નંબર ધરાવનાર શખ્સ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ અને આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

વિનોદ ગુરનાણીએ વીવો કંપનીનો મોબાઇલ ફોન બજાજ ફિનસર્વ ફાયનાન્સ મારફત લીધો હતો. જેમાં ઓફર હતી કે ખરીદી બાદ રૂ. ૬ હજાર કેશબેક મળશે.  આથી વેપારીએ કેશબેક મેળવવા માટે બજાજ ફિનસર્વ કંપનીના નામે ફેસબૂક પેજમાં આપેલા કમ્પલેઇન નંબર પર ફોન કરતાં ફોન રિસિવ કરનારે વિશ્વાસમાં લઇ કેશબેકની લાલચ આપી વિનોદ ગુરનાણીના બેંક એકાઉન્ટની વિગતો મેળવી લઇ ગૂગલ પેમાંથી ક્યુએસ એપ ડાઉનલોડ કરાવડવા બાદમાં વિનોદના એચડીએફસી બેંક જેતપુર શાખાના એકાઉન્ટમાંથી રૂ. ૧,૧૬,૭૦૦ ઓનલાઇન ઉપાડી લઇ છેતરપીંડી કરી લીધી હતી. પીઆઇ પી. ડી. દરજીએ આ અંગે તપાસ શરૂ કરી છે.

(11:09 am IST)