Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અમરેલીના કૃષિ વૈજ્ઞાનિકએ કમાલ સર્જી : નાની જગ્યામાં કેવી રીતે બનાવવું લો બજેટ ગાર્ડન : જાણવા જેવી વાતો

સાધન-સામગ્રી પાછળ થોડો ખર્ચ થઈ શકે પરંતુ નાનકડી જગ્યામાં પણ સુંદર ગાર્ડન બનાવી શકો

ગાર્ડનિંગનો શોખ તો ઘણા લોકોને હોય છે અને તેઓ ગાર્ડનિંગ કરવા પણ ઈચ્છતા હોય છે, પરંતુ જગ્યાની અછતે તેઓ કરી નથી શકતા. આજકાલ મોટાં શહેરોની સાથે-સાથે નાનાં શહેરોમાં પણ આ સમસ્યા વધી ગઈ છે.

શહેરમાં અપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકોને એકાદી બાલકની માંડ મળતી હોય છે, એટલે એ લોકો એમજ કહેતા હોય છે કે, છોડ વાવવા ક્યાં? પરંતુ આમ વિચારવું પણ ખોટું છે.

ગાર્ડનિંગ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો તમે ખરેખર છોડ વાવવા ઈચ્છતા હોવ તો, નાનકડી જગ્યામાં પણ ગાર્ડન બનાવી શકો છે. આ માટે જરૂર છે યોગ્ય કુંડાં, છોડ અને સ્ટેન્ડની પસંદગીની.

ઘણા એવા પણ છોડ હોય છે, જે તડકો ઓછો આવતો હોય તો પણ બહુ સારી રીતે ઊગી શકે છે. આ સિવાય આજકાલ બજારમાં એવા પણ ઘણા છોડ મળે છે, જે કૃત્રિમ લાઈટમાં બહુ સારી રીતે વિકસી શકે છે. આ આની સાધન-સામગ્રી પાછળ થોડો ખર્ચ ચોક્કસથી થઈ શકે છે, પરંતુ નાનકડી જગ્યામાં પણ તમે સુંદર ગાર્ડન બનાવી શકો છો.

આ બાબતે અમરેલી જિલ્લા કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. નિલેશભાઈ જોશી સાથે વાત કરતાં તેમણે કેટલીક મહત્વનાં સુચનો આપ્યાં, જે રીતે તેમણે તેમના પોતાના ઘરમાં પણ નાનકડું અને ખૂબજ સુંદર ગાર્ડન બનાવ્યું છે. નાનકડી જગ્યામાં પણ નિલેશભાઈએ લગભગ 40-50 કુંડાંમાં અલગ-અલગ ફૂલછોડ વાવ્યા છે. જેમાં રેઈન લીલી, ગુલાબ, સેવન્તી, રજનીગંધા, મેરી કામિની, ચાંદની, અળવી, એડિનિયમ, જૂઈ, મેરીગોલ્ડ સહીત અનેક છોડ છે, જેના કારણે ઘરમાં હરિયાળીનો અનુભવ તો થાય જ છે, સાથે-સાથે ઘરનું સૌદર્ય પણ ખીલી ઊઠે છે. સવારે ઊઠતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય છે.

(10:40 am IST)