Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ભગવાન દ્વારકાધીસને જન્માષ્ટમી એ ૧૩ ભોગ ધરાવાય છે : બહારની એકપણ વાનગી તેમાં નથી હોતી

કૃષ્ણગીત ગાઈ ને આ ભોગ પૂજારી પરિવારની મહિલાઓ દ્વારા જ કરાય છે તૈયાર

દ્વારકા :  ભગવાન શ્રી દ્રારકાધીશે વર્ષો સુધી જે નગરીમાં રાજ કર્યુ જયાં રાજા તરીકે રહ્યા ત્યાં આજે પણ ભગવાન સાક્ષાત હોવાનુ ભકતો માને છે. તેમજ પુજારી પરિવાર પણ ભગવાન રાજધિરાજ શ્રીદ્રારકાધીશની સેવા પુજા એ જ ભકિતભાવથી કરે છે. ભગવાન દ્રારકાધીશ મંદિરમાં દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ ભગવાનનો જન્મોત્સવનો વિશેષ મહિમા હોય છે.

દ્રારકાધીશ જગત મંદિરમાં ભગવાનને દિવસમાં કુલ 11 ભોગ ધરવાય છે અને 4 આરતી થતી હોય છે. જેમાં જન્માષ્ટમીના દિવસે ખાસ રાત્રીના મહાઆરતી અને મહાભોગ વિશેષ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ત્રણ રાત્રી વિશેષ હોય છે. જેમાં કાળરાત્રી, શિવરાત્રી અને મોહરાત્રી સવિશેષ હોય છે.

જો કે જન્માષ્ટમી પર્વના રોજ ભગવાનને 13 ભોગ ધરાવવામાં આવે છે. આ તમામ ભોગ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જ આનંદ અને ઉત્સાહ સાથે તૈયાર કરવામાં આવે છે.

દ્રારકા જગતમંદિરમાં રાત્રીના 12 વાગતાની સાથે મંદિરના દ્રાર ખુલ્લે છે. જન્મોત્સવની સાથે મંદિર પરિસર નંદ ધેર આનંદ ભયો ના નાદથી ગુંજી ઉઠે છે. નિજ મંદિરમાં પુજારી પરીવાર દ્રારા મહાઆરતી સાથે કૃષ્ણનો જન્મોત્સવ રાત્રી 12 વાગે ભકિતમય માહોલ જોવા મળે છે. જે ક્ષણને માણવા લાખો ભકતો આતુરતાથી રાહ જોતા હોય છે.

જન્માષ્ટમીમાં મહાઆરતી અને મહાભોગ

મંદિર નિત્યક્રમ મુજબ રાત્રી 10 વાગે બંધ થતુ હોય છે. પરંતુ જન્માષ્ટમી પર્વ પર રાત્રીના 9 વાગે મંદિર બંધ થશે અને રાત્રીના 12 ફરી મંદિરના દ્રાર ખુલશે. જે વર્ષમાં એક વખત જ મંદિર રાત્રીના ખુલ્લે છે. મહાઆરતી બાદ ભકતો માટે અઢી વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહે છે.

ત્યાર બાદ ભગવાનને મહાભોગ ધરાવવામાં આવે છે. જેમાં બુંદીનો લાડુ, ચોખાનો લાડુ, મગના લાડુ, ધારી, મૈસુબ, સહીતની વિવિધ વાનગીઓ હોય છે. ભગવાને નિત્યક્રમ મુજબ 11 ભોગ હોય છે. જન્માષ્ટમીના 13 ભોગ હોય છે. ભગવાને બહારની કોઈ વાનગી ધરાવવામાં આવતી નથી. મંદિર ભંડારામાં પુજારી પરિવારની મહિલાઓ દ્રારા વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

પુજારી પરિવારની મહિલાઓ દ્રારા કૃષ્ણના ગીતો ગાતા-ગાતા ભકિતભાવ સાથે વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. જેમાં મહિલાઓ દિવસભર સેવા આપે છે. જન્માષ્ટમીના દિવસે સવારે ખુલ્લા પરદે અભિષેક હોય છે. જે વર્ષમાં બે વખત હોય છે. જયારે ભકતો ખુલ્લા પરદે અભિષેકના દર્શન કરી શકે છે.

જન્માષ્ટમી અને જલયાત્રા વખતે આ દર્શનનો લાભ દર્શાનાર્થીઓને મળે છે. મંદિરમાં સેવાપુજા માટે પુજારી પરીવાર દ્રારા રાત-દિવસ સેવા આપે છે. શ્રૃંગાર હોય, કે આરતી કે હોય ભોગ તમામ નિત્યક્રમ અને વિશેષ ઉત્સવ સમયસર અને ભકિતભાવ થાય તે માટે પુજારી પરિવાર ભકિતભાવથી સેવા કરે છે.

જન્માષ્ટમી પર ખાસ કેસરી વસ્ત્રો ભગવાન શ્રીદ્રારકાધીશજીને વાર મુજબના રંગના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમી પર ખાસ કેસરી કલરના વસ્ત્રો તૈયાર કરાવવામાં આવે છે. મસ્તક પર કુલેમુગટ અને કેસરીયા રંગના ચાંકદાર વાધા જન્માષ્ટમી માટે તૈયાર કરાવવામાં આવે છે.

જન્માષ્ટમી પર સામાન્ય રીતે કાશી, વૃંદાવન કે સુરતમાં વસ્ત્રો તૈયાર કરાવવામાં આવે છે. આ વખતે પણ સુરતથી ખાસ વસ્ત્રો તૈયાર કરાવવામાં આવેલ છે. જેમાં સોના-ચાંદી ઝરી વર્ક છે અને વસ્ત્રો હીરાજડીત છે.

(11:08 pm IST)