Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અંધશ્રદ્ધાનો અજબ કિસ્સો : ભાવનગરમાં મોબાઈલનો કકળાટ કાઢ્યો : કોઈએ ચાર રસ્તા પર અડધી રાતે અજીબ વિધિ કરી

સ્થાનિકોએ ઉતારેલ વિડિઓ - ફોટા સોશ્યિલ મીડિયા માં વાયરલ

ભાવનગર : રાજ્યમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે અંધશ્રદ્ધાના કારણે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી ઘટનાઓ પણ સામે આવે છે. તો ક્યારે અંધશ્રદ્ધાના કારણે કોરોનાની મહામારી વચ્ચે લોકોના ટોળા એકઠા થયા હોય તેવું પણ સામે આવે છે. જેમાં કેટલાક ગામડાઓમાં હજી સુધી લોકો અંધશ્રદ્ધાના કારણે કોરોનાની વેક્સીન લેવાથી લોકો ડરી રહ્યા છે. તો કેટલાક ગામડાઓમાં કોરોના ન આવે એટલે નાળિયેરના તોરણ બંધાયા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે રાજ્યમાં અંધશ્રદ્ધાનો એક અજીબ કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો હતો.

તમે ઘણી વખત જોયું હશે કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા તો નાનું બાળક રડતું હોય તો તેના પરથી શ્રીફળ ઉતારીને શહેર ગામ કે, પછી મહોલ્લાના ચાર રસ્તા પર મૂકી દેવામાં આવે છે અને આને ઉતારો કહેવામાં આવે છે. ઘણી વખત ઉતારામાં મીઠાઈ અને વસ્ત્રો પણ શહેરના ચાર રસ્તા ઉપર મૂકવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં શ્રીફળ મોબાઈલ બાંધીને ઉતારો ચાર રસ્તા પર મૂકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ભાવનગરના કરચલીયા પરા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. એમાં કોઈ વ્યક્તિએ બે મોબાઇલ ફોનને નાળિયેર સાથે દોરાથી બાંધીને વચ્ચે મૂકી ગયું હતું.

તો સ્થાનિક કેટલાક લોકોનું કહેવું છે કે કોઈ વ્યક્તિએ મોબાઈલ પર તાંત્રિક વિધિ કરીને તેને શ્રીફળ સાથે બાંધીને આ ચોકમાં મૂકી ગયું છે. તો કેટલાક સ્થાનિક લોકોએ આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતો. આવો અજીબો-ગરીબ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવતાં લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ફોટાઓમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, દોરા વડે શ્રીફળ પર એક ટચસ્ક્રીન ફોન અને એક કીપેડ ફોન બાંધવામાં આવ્યો છે. બીજી તરફ નાળિયેરની આસપાસ ફૂલની પાંખડીઓ કરવામાં આવી છે અને તેના પર પાણી રેડીને વિધિ કરવામાં આવી છે. લોકોનું એવું પણ કહેવું છે કે રાત્રિના સમયે કોઇ અજાણ્યા લોકો આ પ્રકારની વિધિ કરી ગયા છે અને આ વાતને લઇને શહેરના લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. જોકે આ ઘટનાને આધુનિક યુગની અંધશ્રદ્ધા કહીશું કે, પછી કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટીખળ એ સમજવું ખૂબ જ મુશ્કેલ છે.

(10:50 pm IST)