Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના વિજ કનેકશનોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી

ઉર્જા મંત્રીને પત્ર પાઠવતા ઇરફાન પીરઝાદા

વાંકાનેર તા.૩૦ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના અગ્રણી અને વાંકાનેર યાર્ડના પૂર્વ ચેરમેન ઇરફાન પીરઝાદાએ ઉર્જા મંત્રીશ્રીને પત્ર પાઠવીને વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના વિજ કનેકશનોની સમસ્યાના નિરાકરણ અંગે રજુઆત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, વાંકાનેર વિસ્તારના ખેડુતોના નોર્મલ કેટેગરમાં મંજુર થયેલ વીજ કનેકશનો બાદ વીજ કચેરીમાં સમયસર કોટેશન ફી ભરેલ હોય, જરૂરી દસ્તાવેજો લાગુ પડતી કચેરીઓમાં જમા કરાવેલ હોય છતાં ખેડુતોને વિજ કનેકશનો માટેની વીજ લાઇન આપવામાં આવતી નથી તેમજ ટી.સી. મુકવામાં આવતા નથી. વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર તીથવા તથા આ મહાલના અન્ય ગામો મહીકા, કોઠી વિગેરે ગામોમાં ગામની નજીક પોતાની માલીકીમાં ફાર્મ હાઉસ તરીકે પાકા મકાનો બનાવેલા છે તેમજ પોલ્ટ્રીફાર્મ કે ઢોરના તબેલા બનાવેલા છે તેવા બાંધકામોમાં સીંગલ ફેઇઝના લાઇટીંગ માટેના વીજ કનેકશનો મેળવવા માટે અરજીઓ કરેલ છે. આવા કનેકશનો આપવા માટે ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર કરેલ હોવા છતાં લાંબા સમયથી વીજ કનેકશનો માટેની પેન્ડીંગ અરજીઓનો નિકાલ વાંકાનેર કચેરી દ્વારા કરવામાં આવતો નથી. જયારે નાણાના વહીવટ લઇને સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની દ્વારા ઘણા વીજ કનેકશનો મંજુર કરવામાં આવેલા છે.

વાંકાનેર વિસ્તારમાં ઘણા સમય પહેલા વીજ કનેકશનો આપેલ છે તેમાં મીટર તથા વાયરો બળી ગયેલા છે. તુટી ગયેલા છે. વીજ પોલ તુટી ગયેલા છે તથા નમી ગયેલા છે. આવી વીજ કનેકશનોને લગતી અનેક ફરિયાદો ખેડુતો દ્વારા કરેલ છે. પરંતુ આવા ખેડુતોના પેન્ડીંગ પ્રશ્નોના નિકાલ કરવાને બદલે કચેરીના અધિકારીઓને આર્થિક લાભ મળ્યે ગેરકાયદેસર કનેકશનો આપવામાં આવે છે. જયારે ઉપરોકત રજુ કરેલા વીજ કનેકશનોને લગતા પ્રશ્નો બાબતે કોઇ લક્ષ આપવામાં આવતુ નથી.

છેલ્લા ઘણા સમયથી સરકારશ્રીમાં વારંવાર આધાર પુરાવા સાથે લેખિત રજુઆતો કરવામાં આવી છે. માન. ધારાસભ્યશ્રી દ્વારા પણ વારંવાર સરકારશ્રીનું ધ્યાન દોરેલ છે પરંતુ સ્થાનિક પીજીવીસીએલના જવાબદારો દ્વારા ખોટા અભિપ્રાયો આપી રજુઆતને ટલ્લે ચડાવી દેવામાં આવેલ છે. પાછલા બારણે પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ ઇરફાન પીરઝાદાએ કર્યો હતો.

(9:23 am IST)